ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની જૂની બિલ્ડીંગમાં આગ, જૂના રેકર્ડ બળીને રાખ
- સદનસીબે મોટી જાનહાની ટળી
- જૂની બિલ્ડીંગના ત્રણ રૂમમાં રખાયો હતો રેકોર્ડ
- આગનું ચોક્કસ કારણ અકબંધ
અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે તાલુકા પંચાયતની જૂની બિલ્ડીંગમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. જો કે, મહત્વના જૂના રેકર્ડ બળીને રાખ થઈ ગયા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની જૂની બિલ્ડીંગમાં કેટલાક જૂના દસ્તાવેજ રાખી મુકવામાં આવ્યાં હતા. દરમિયાન જૂની બિલ્ડીંગમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા કારોબારી ચેરમેન શામળ પટેલ સહિતના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ ફાયરબ્રિગેડની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં જૂની બિલ્ડીંગના 3 રૂમમાં રાખવામાં આવેલા જૂના રેકોર્ડ બળી ગયા હોવાનું જાણવા મળે છે. જો કે, આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. શોર્ટ સરકીટથી આગ લાગી હોવાનું જાણવા મળે છે. ફાયરબ્રિગેડ દ્વારા આગની ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી છે.