Site icon Revoi.in

ગાંધીનગરના જુના સચિવાલયમાં આગની ઘટના, ભ્રષ્ટાચારની ફાઈલો સળગાવ્યાનો કોંગ્રેસનો આક્ષેપ

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના જૂના સચિવાલયમાં ગેટ પાસે આવેલા બ્લોક નંબર 16ના પહેલા માળે આવેલી  વિકાસ કમિશનર કચેરીમાં શુક્રવારે સવારે આગ લાગી હતી. આ આગની ફાયર વિભાગને જાણ કરાતાં ફાયરની 4 ગાડી આશરે 50 હજાર લિટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો છે. વિકાસ કમિશનરની કચેરીમાં આગ કેમ લાગી તે અંગે કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો છે.  કરોડો રૂપિયાના કાંડ-કૌભાંડથી બચવા આગ લગાડવામાં આવી હોય તેવી આશંકા છે. અને આ ઘટનાની નામદાર વડી અદાલતના જજની દેખરેખ હેઠળ તટસ્થ તપાસની માંગણી કોંગ્રેસે કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે જુના સચિવાલયના પંચાયત વિભાગના બ્લોક નં. 16માં વિવિધ વિભાગની કચેરીઓમાં મુકેલા 18 હજાર ગામોમાં નાણાકીય સહાયના મહત્વના દસ્તાવેજો તેમજ રેકોર્ડ આગમાં ખાક થઈ ગયા છે. સૌથી આશ્ચર્યની બાબત છે. કે, ગુજરાત સરકારના કિંમતી દસ્તાવેજો ખાક થયા પણ અધિકારીઓની કચેરીમાં કઈ નુકસાન થયું નહીં. જે રીતે  અગાઉ જી.એસ.પી.સી.માં ત્રીસ હજાર કરોડનું કૌભાંડ થયું હતું તે ગુજરાત પેટ્રોલીયમ કોર્પોરેશનમાં કરોડો રૂપિયાના દસ્તાવેજો આગમાં ભસ્મિભૂત થયા હતા જેની આજદિન સુધી કોઈ તપાસ કે વિગત બહાર આવી નથી.  શુક્રવારે વિકાસ કમિશનરની કચેરીમાં આગ લાગી હતી. જેમાં ગરીબ કલ્યાણ મેળા, ગુજરાત પંચાયત અધિ. ૧૯૯૩ અન્વયે પંચાયત પદાધિકારીઓ સામેની ફરીયાદો, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સામે પગલા લેવાની જોગવાઇ, ગ્રામ-તાલુકા-જિલ્લા પંચાયતને સુપરસીડ કે વિસર્જન અંગેની કામગીરી, પંચાયતના પ્રમુખની હવાઇ પ્રવાસની મંજુરી, તાલુકા-જિલ્લા પંચાયતને સ્વ ભંડોળમાંથી વાહનો ખરીદવાની પૂર્વ મંજુરી સહીતનાં દસ્તાવોજોની ફાઈલો આગમાં ખાખ થઇ ગયા હતા. ત્યારે સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય છે કે આગ લાગી કે લગાવવામાં આવી હતી? શું પંચાયત વિભાગના મહત્વના દસ્તાવેજો જાણી જોઈને ભસ્મીભૂત કરવામાં આવ્યા? તે અંગે તપાસ જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જુના સચિવાલયમાં લાગેલી આગમાં સમગ્ર રાજ્યના પંચાયત વિભાગના મહત્વના દસ્તાવેજો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટના હિસાબો અનેક દસ્તાવેજો આગમાં ભસ્મિભૂત થયાની ગંભીર ઘટના છતાં રાજ્યના મુખ્યમંત્રી, પંચાયત મંત્રી કે મુખ્ય સચિવ કેમ મૌન છે ?  વિકાસ કમિશ્નર ઇ-ગ્રામ સોસાયટીનું સંચાલન કરે છે ત્યારે દર વર્ષે સરકાર 100 કરોડ ઉપરની ગ્રાન્ટ ઈ ગ્રામ સોસાયટીને આપે છે પરતું  પરતું VCE ને  એક પણ રૂપિયો પણ અપાતો નથી. VCE ગ્રામજનો પાસેથી નકલ ફ્રી લે એમાંથી પણ ઇ-ગ્રામ સોસાયટી 10% કમિશન લઈ જાય છે. કરોડોની ગ્રાન્ટના વહીવટની વિગતોનો તપાસનો વિષય બન્યો ત્યારે આ આગ VCE ઓના આંદોલન સમયે જ કેમ લાગી? તે પણ એક સવાલ છે. ગુજરાત પંચાયતની વાર્ષિક વિકાસ યોજના, જનરલ વિસ્‍તાર, ખાસ અંગભૂત યોજના, આદિજાતિ વિસ્‍તાર પંચવર્ષીય યોજના, દરખાસ્‍તનું ઘડતર, ખાસ અંગભૂત યોજના,પ્‍લાનિંગ કમિશન ન્‍યુ દીલ્‍હી સહિતની યોજનાને લગતી કામગીરી સહીતની ફાઈલોમાં કરોડો રૂપિયાના ભાજપના ભ્રષ્ટાચારની વિગતો જાણી જોઇને અગ્નિકાંડમાં હોમી દેવામાં આવી હોય તેવો પ્રથમ દૃષ્ટિએ શંકા ઉભી થાય છે. ત્યારે સમગ્ર સચિવાલય અગ્નિકાંડની નિષ્પક્ષ તપાસ નામદાર વડી અદાલતના જજની દેખરેખ હેઠળ તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.