રાજકોટમાં ધાર્મિક સ્થળોના સત્સંગ હોલ કે સભા ગૃહમાં ફાયર એનઓસી અને બીયુ ફરજિયાત કરાશે
રાજકોટઃ શહેરમાં અગ્નિકાંડની ઘટના બાદ મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર વધુ સતર્ક બન્યુ છે. મ્યુનિ.દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય એવા બિલ્ડિંગો, શાળાઓ, હોસ્પિટલો સામે સિલિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. ત્યારે શહેરમાં ધણીબધી ધાર્મિક સંસ્થાઓના સત્સંગ હોલ કે સભાગૃહમાં ફાયરની સુવિધા કે બીયુ પરમિશન ન હોવાની ફરિયાદો ઊઠી હતી. મંદિરોના કેમ્પસમાં વગર પરવાનગીએ સત્સંગ હોલ કે સભાગૃહ બાંધી દેવામાં આવેલા છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થતાં હોય છે. પણ ફાયરની સુવિધા નથી. આથી મ્યુનિ. દ્વારા આ મુદ્દે વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધાર્મિક સ્થળોએ પણ સત્સંગ હોલ કે સભાખંડ હોય તો ફાયર NOC અને BU સર્ટી ફરજિયાત કરવામાં આવશે.
આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ધાર્મિક સ્થળોએ સત્સંગ હોલ કે જ્યાં વધુ લોકો એકઠા થતાં હોય તેવા સ્થાનો પર બીયુ અને ફાયર NOCનો નિયમ લાગુ પડશે. જે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ બીયુ સર્ટી અને ફાયર NOC મુદ્દે તમામ એકમોમાં ચેકિંગ કામગીરી ચાલુ છે. મુખ્યત્વે વધુ લોકો એકઠા થતાં હોય તેવા સ્થળોએ ફાયરના સાધનો લગાવી ફાયર NOC મેળવી ફરજિયાત છે. તેમજ બાંધકામ પરમીશન પણ લેવાની રહેશે. શહેરના મંદિરો કે જ્યાં સત્સંગીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હોય છે. તેના માટે હોલ અથવા રૂમ રખાયો હોય ત્યાં આગની દુર્ઘટના સમયે ઈમરજન્સી કામગીરી માટે ફાયર સફ્ટીના સાધનો જરૂરી બને છે. આથી આ પ્રકારના સત્સંગ હોલમાં ફાયર એનઓસી અને ફાયરના સાધનો હોવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. તમામ મંદિરો જ્યાં સત્સંગો હોય ત્યાં બીયુ સર્ટી અને ફાયર એનઓસીનો નિયમ અમલમાં બનશે જે મુદ્દે આગામી દિવસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.