Site icon Revoi.in

ગુજરાતમાં આકાશમાંથી અગન વર્ષા, 10 શહેરોનું તાપમાન 35 ડિગ્રીથી વધારે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ બપોરના સમયે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. જો કે, સવારે વાતાવરણ ઠંડુ અને બપોરથી ગરમી પડતી હોવાથી લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં ગરમીના પારો 35 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જ્યારે આગામી ચારેક દિવસમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચે તેવી શકયતા છે.

ઉત્તર-પૂર્વના ઠંડા પવનોને કારણે હાલમાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીથી રાહત રહી છે. આગામી ચાર દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો વધીને 40 ડિગ્રી તેમજ કેટલાંક શહેરોમાં 40 ડિગ્રી પાર કરે તેવી શક્યતા છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. જેથી બપોરના સમયે લોકોએ ગરમીનો સામનો કર્યો હતો. સોમવારથી અમદાવાદમાં ક્રમશ ગરમીનો પારો વધશે, તેમજ સોમવારથી ગુરુવાર દરમિયાન ગરમીનો પારો 2થી 3 ડિગ્રી વધીને 40 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા છે.

અમદાવાદ સહિત રાજયના મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આગામી ચાર દિવસો દરમિયાન અમદાવાદ, વડોદરા અને અમરેલી સહિત રાજ્યના મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો વધીને 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હોવાથી ગરમીમાં વધારો થવાના સંકેતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયાં છે. હવામાન વિશેષજ્ઞએ જણાવ્યું કે, આગામી ચાર દિવસો દરમિયાન રાજ્યમાં પવનોનું જોર ઘટશે, જેને કારણે રાજ્યનાં મોટાભાગનાં શહેરોનાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થશે., આગામી 17 માર્ચની આસપાસ સાયક્લોનિક સરક્યુલેશન રાજસ્થાન સુધી પહોંચતા ગુજરાતમાં બે દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ સર્જાશે.