અમદાવાદઃ શહેરમાં દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. લોકોમાં દિવાળીના પર્વને લઈને અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે ફટાકડાના ભાવમાં તોતિંગ વધારો થયો હોવા છતાં લોકો પ્રકાશના પર્વને આવકારવા ફટાકડાંની ખરીદી કરી રહ્યા છે. ત્યારે શહેર પાલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને રાતના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડાં ફોડવાની છૂંટ આપી છે.
અમદાવાદ શહેરમાં માર્ચ 2020થી એટલે કે કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી લોકોએ તહેવારોની મજા માણી નહોતી. માત્ર ઘરમાં જ તહેવારોની ઊજવણી થઈ હતી. હવે કોરોના સંક્રમણ કાળ પૂર્ણ થઈ ગયો છે.ત્યારે બે વર્ષ બાદ શહેરીજનોમાં દિવાળીનું પર્વ મનાવવા ખૂબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે નવરાત્રિનો તહેવાર પણ ખૂબજ ધૂમધામથી ઊજવવામાં આવ્યો હતો. દિવાળીના તહેવાર પર ફટાકડા ફોડવા માટે અમદાવાદના પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે.શહેરમાં રાત્રે આઠ વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે અને બજાર, શેરીઓ તથા ગલીઓમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, ઓનલાઈન ફટાકડાની ખરીદી કે વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શહેરમાં રાત્રીના 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. 125 ડેસીબલથી 145 ડેસીબલ સુધીના ફટાકડા ફોડવા જરૂરી છે. ફટાકડાની લૂમ દ્વારા પ્રદુષણ અને ઘન કચરો ફેલાતો હોવાથી પ્રતિબંધ લગાવાયો છે. ઉપરાંત પોલીસ કમિશ્નર દ્વારા બજાર,શેરીઓ અને સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચાઈનીઝ તુકકલનું વેચાણ નહિ કરવા આદેશ આપવામાં આવ્યો છે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે તેમજ વિદેશી ફટાકડાની આયાત પ્રતિબંધ ધોષિત થયેલ છે. કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડાની આયાત કરી શકાશે નહી. અમદાવાદમાં વધી રહેલા પ્રદૂષણને કારણે ફટાકડાની લૂમ ફોડવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.