Site icon Revoi.in

ગાંધીનગરમાં દિવાળીના તહેવારોમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

Social Share

ગાંધીનગરઃ દિવાળીના તહેવારોમાં આગ કે અકસ્માતના બનાવ ન બને તેમજ વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લામાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી માત્ર 2 કલાક માટે જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાયના સમયમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જિલ્લા મેજિસ્ટેટ દ્વારા જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટના આદેશ અને રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ દિવાળીના તહેવાર નિમિત્તે જાહેર જનતાને ભયજનક, હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરીત અસરથી રક્ષવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશ  જારી કરવામાં આવ્યા છે. દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાને કારણે આગ અકસ્માતના બનાવ ન બને અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે ગાંધીનગર જિલ્લાના સમગ્ર મહેસુલી વિસ્તારમાં ફટાકડા ખરીદ વેચાણ તથા ઉપયોગ પર નિયંત્રણ મૂકવું જરૂરી જણાય છે. જે મુજબ ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે. તમામ ઇ- કોમર્સ વેબસાઇટ દ્વારા ઓનલાઇન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી માત્ર 2 કલાક માટે જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત હોસ્પિટલ, નર્સીંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, કોર્ટ તથા ધાર્મિક સ્થાનોની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન ગણી ત્યાં ફટાકડા ફોડી શકાશે નહીં. કોઇપણ પ્રકારના ફટાકડા વિદેશથી આયાત કરી શકાશે નહીં. આ ઉપરાંત જિલ્લાના બજારો, શેરી, ગલીઓ, જાહેર રસ્તા, પેટ્રોલપંપ, એલપીજી બોટલીંગ પ્લાન્ટ, એલપીજી ગેસના સ્ટોરેજ કે અન્ય ગોડાઉનની નજીક ફટાકડા ફોડી શકાશે નહીં. આ જાહેરનામું 12 નવેમ્બરથી 27 નવેમ્બર તથા 25 ડિસેમ્બરથી 1લી જાન્યુઆરી સુધી અમલી રહેશે.