Site icon Revoi.in

INS વાલસુરા ખાતે અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો

Social Share

અમદાવાદઃ INS વાલસુરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અગ્નિવીરોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, વાલસુરા ટ્રેનિંગ સેન્ટરમાં આવીને મને અપાર પ્રસન્નતા મળી છે. અગ્નિવીરોને પરેડમાં ભવ્ય પ્રદર્શન બદલ તેમજ પ્રશિક્ષણ આપનાર ટ્રેનરોને હું શુભકામનાઓ પાઠવું છું. વાલસુરામાં નાવીન્ય, ઉત્સાહ અને ઉમંગ સાથે પ્રાકૃતિક વાતાવરણમાં દેશ માટે બહાદુર વીરો તૈયાર થયા છે. તાલીમ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ત્રણ અગ્નિવીરો પૈકી બે દીકરીઓનું સમ્માન થયું છે. આ દીકરીઓએ ભારતીય નારીના ગૌરવમાં વધારો કર્યો છે. આપણા દેશની મહિલાઓ દરેક ક્ષેત્રમાં કીર્તિ મેળવી રહી છે. 18 થી 21 વર્ષના અગ્નિવીરોનો જોશ અદ્ભૂત છે. નૌસેના દેશનું ગૌરવ અને રાષ્ટ્રનું સમ્માન છે. કુદરતી આફત હોય કે આપાત્કાલિન સ્થિતિ ભારતીય સેના સદાય દેશ સેવામાં તત્પર રહે છે.

રાજ્યપાલએ અગ્નિવીરોને ઉપદેશ આપતાં જણાવ્યું હતું કે, જે લોકો કર્મયોગી અને પરિશ્રમી હોય છે તેઓ દુનિયામાં કંઈ પણ પ્રાપ્ત કરી શકે છે. પરિશ્રમ વગર જંગલના રાજા સિંહને પણ ભોજન મળતું નથી.  સત્ય વ્યક્તિને બહાદુર અને નીડર બનાવે છે. સત્ય પ્રકાશ સમાન છે. જે અગ્નિવીરો દેશની રક્ષા અર્થે જઈ રહ્યા છે તેઓને પોતાના કાર્યક્ષેત્રમાં જઈ સત્યનું આચરણ કરવા, રાષ્ટ્રધર્મનું પાલન કરવા, માતાપિતા તથા ગુરુ પ્રત્યે આદરભાવ કેળવવા શીખ આપી હતી. આ તકે તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 3 અગ્નિવીરોને રાજયપાલશ્રીના હસ્તે સન્માનિત કરાયાં હતા. નૌસેનાનું રાષ્ટ્ર અને સમાજમાં મહત્વનું યોગદાન છે. દેશ માટે બલિદાન આપવાની ભાવનાથી સેનાની ત્રણેય પાંખો દેશના નાગરિકોનું રક્ષણ કરી રહી છે. સૈનિકોના ત્યાગ, તપસ્યા અને બલિદાનના પરિણામે સમગ્ર દેશમાં આજે શાંતિ પ્રવર્તી રહી છે. 

વાલસુરા વૉર મેમોરિયલ પર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. INS વાલસુરા ખાતે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં અગ્નિવીરની તાલીમ પૂર્ણ કરેલ 68 મહિલા કેડેટ્સ, 38 ભારતીય કોસ્ટ ગાર્ડ સહિત 445 કેડેટ્સનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો.જ્યાં કેડેટ્સ દ્વારા યોજાયેલ ભવ્ય પરેડનું રાજયપાલશ્રી આને અન્ય મહાનુભાવોએ નિરીક્ષણ કર્યું હતું.

(Photo-Fule)