ભાવનગરઃ શહેરના સુભાષનગર અજયવાડી વિસ્તારમાં બુધવારે સમી સાંજે બાઈક અને કાર ચાલક વચ્ચે ઓવરટેકિંગના મામલે માથાકૂટ થયા બાદ કારચાલક પર બાઈકસવાર બે શખસોએ ફાયરિંગ કરીને ફરાર થતા ભારેચાર મચી જવા પામી હતી. આ ઘટનાને પગલે એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી, ઘોઘા રોડ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ફરાર થયેલા શખસોની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન બોરસદ રૂરલ પોલીસની ટીમે બાતમીને આધારે બોચાસણ ટોલનાકા ખાતે નાકાબંધી કરી, પીસ્ટલ જેવા હથિયારનું સ્ટીલનું મેગેજીન અને એક કારતુસ સાથે મોટરસાયકલ પર સવાર બે શખસોને પકડી લીધા હતા. આ બંને યુવકો ભાવનગરમાં એક કારચાલક ઉપર ફાયરીંગ કરી ભાગીને અહીં આવ્યાં હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે બંનેની અટકાયત કરી ભાવનગર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી છે કે, ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારના અજયવાડી વિસ્તારમાં ગત મોડી સાંજે કાર અને બાઈક ચાલક વચ્ચે ઓવરટેકિંગ મામલે બોલાચાલી થઈ હતી જેમાં બાઈકસવાર એક શખસે તેની પાસે હથિયાર દ્વારા કાર પર ફાયરિંગ કરતા ભારે ચકચાર મચી ગઇ હતી. દરમિયાન ફાયરિંગ કરી શખસો બાઈક ઉપર ફરાર બન્યા હતા. ફાયરિંગના બનાવને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ અંગે ઘોઘા રોડ પોલીસે ફરાર બંને ઈસમો વિરૂદ્ધ ઇ.પી.કો. કલમ 427, 114 તથા હથીયારધારા ની કલમ -25(1), 25(1બી) મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
આ ઘટના અંગે સીટી ડીવાયએસપી આર.આર.સિંધાલએ જણાવ્યું હતું કે, ગત મોડી સાંજે ઘોઘા રોડ પોલીસ વિસ્તારમાં આવેલા સુભાષનગર એરપોર્ટ રોડ પાસે આવેલા અજયવાડી પાસે કાર અને બાઈક વચ્ચે ઓવરટેકિંગના મામલે બોલાચાલી થઈ હતી જેના પગલે swift કાર પર બે શખ્સોએ ફાયરિંગ કરી ફરાર બન્યા હતા આ અંગે પોલીસ તપાસ કરી રહી છે કે ફાયરિંગ ગન છે કે એરગન છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે, અને શખસોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. દરમિયાન બોરસદ રૂરલ પોલીસની ટીમે બાતમીને આધારે બોચાસણ ટોલનાકા ખાતે નાકાબંધી કરીને પીસ્ટલ જેવા હથિયારનું સ્ટીલનું મેગેજીન અને એક કારતુસ સાથે મોટરસાયકલ પર સવાર બે શખસોને પકડી લીધા હતા.