પાકિસ્તાને ફરી એકવાર ભારતીય સીમામાં યુએવી મોકલીને પોતાની નાપાક હરકતોને ઉજાગર કરી છે. રાજસ્થાનના શ્રીગંગાનગર પાસે હિંદુમલકોટ બોર્ડર પર પાકિસ્તાને યુએવી ભારતીય સીમામાં મોકલવાની હરકત રાત્રે બે વખત કરી હતી. સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે કોની ગામની આસપાસ પાકિસ્તાની ડ્રોન દેખાયું હતું. જેને ભારતીય સેના દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. તેની સાથે ગામમાં ગ્રામીણોને પણ સાવચેત કરવામાં આવ્યા છે.
મહત્વપૂર્ણ છે કે ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર હાલની સ્થિતિ તણાવપૂર્ણ છે. શુક્રવારે પાકિસ્તાનના ગેરકાયદેસર તત્વોએ ભારતી માછીમારોને નિશાન બનાવ્યા હતા. તેના કારણે ભારતીય નૌસેના અને બીએસએફ સંપૂર્ણપણે એલર્ટ મોડમાં છે.
શુક્રવારે રાત્રે બે વખત જોવા મળ્યું પાકિસ્તાની યુએવી
બોર્ડર સિક્યુરિટી ફોર્સે શુક્રવારે-શનિવારની રાત્રિએ રાત્રે બે વાગ્યે ભારતીય સીમામાં પાકિસ્તાની યુએવી જોયું હતુ. તેને તોડી પાડવા માટે ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. ફાયરિંગના કારણે યુએવી પાછું જતું રહ્યું હતું. પરંતુ સવારે સાડા પાંચ વાગ્યે ફરી એકવાર આ વિસ્તારની એક અન્ય બોર્ડર પોસ્ટ પર યુએવી ભારતીય સીમામાં જોવા મળ્યું હતું. બંને વખત બીએસએફ દ્વારા વળતી કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે બીએસએફ દ્વારા પાકિસ્તાન રેન્જર્સને પ્રોટેસ્ટ નોટ આપવામાં આવશે.
1971 બાદ પહેલીવાર હિંદુમલકોટ વિસ્તારમાં ફાયરિંગ થયું
1971ના યુદ્ધ બાદ પહેલીવાર આ વિસ્તારમાં ગોળીબાર અને વિસ્ફોટના અવાજ સાંભળવા મળ્યા છે. રાત્રે અને સવારે થયેલા સતત ફાયરિંગને કારણે લોકોમાં થોડોક ગભરાટ જોવા મળ્યો છે. જિલ્લા વહીવટી તંત્રે કહ્યું છે કે કોઈપણ પ્રકારનું કોઈ જ નુકસાન થયું નથી. ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે હિંદુમલકોટ વિસ્તારમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની સેના સીમા પાર એકઠી થઈ રહી છે.
કચ્છ બોર્ડર પર એક પાકિસ્તાની ઝડપાયો
શુક્રવારે ગુજરાતની કચ્છ બોર્ડર પરથી બીએસએફે એક પાકિસ્તાની નાગરિકને એરેસ્ટ કર્યો હતો. બીએસએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા પાકિસ્તાની નાગરિકની પૂછપરછ કરવામાં આવી હતી. કચ્છના ખાવડાની સરહદે બોર્ડર પિલર નંબર-1050 પાસે શકમંદર પાકિસ્તાની નાગરિક દેખાયો હતો. જેની બાદમાં બીએસએફ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં ફેન્સિંગ નથી. જેના કારણે આ પાકિસ્તાની શકમંદ અહીંથી જ ભારતીય સીમામાં દાખલ થયો હતો.