Site icon Revoi.in

ડિગ્રી ઈજનેરીમાં કમ્પ્યુટર, IT, ઓટોમેશન- રોબોટિક્સ સહિતની બ્રાન્ચ વિદ્યાર્થીઓ માટે ફર્સ્ટ ચોઈસ

Social Share

અમદાવાદ: ગુજરાતમાં પ્રવેશ સમિતિ દ્વારા એન્જિનિયરિંગની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ધોરણ. 12 સાયન્સ અને ગુજકેટના મેરીટને આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે આ વખતે પણ કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઓટોમેશન એન્ડ રોબોટિક્સ એન્જિનિયરિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સ જેવી વિદ્યાશાખા વિદ્યાર્થીઓની પ્રથમ ચોઈસ બની છે. એટલે આ વિદ્યાશાખામાં પ્રવેશ માટે ઊંચુ મેરીટ રહેશે.

રાજ્યમાં એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશની કાર્યવાહી પ્રવેશ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી છે, અગાઉ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેમને ધોરણ 12 સાયન્સ અને ગુજકેટના મેરીટના આધારે પ્રવેશ ફાળવવામાં આવી રહ્યો છે. પ્રવેશ પ્રક્રિયાના ફર્સ્ટ રાઉન્ડના અંતે એન્જિનિયરિંગની ભરાયેલી બેઠકો અને ખાલી રહેલી બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ધોરણ 12 સાયન્સ બાદ ઘણા વિદ્યાર્થીઓને પહેલી પસંદ એન્જિનિયરિંગ હોય છે. ત્યારે એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે એડમિશન કમિટી દ્વારા હાથ ધરાયેલી પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત 42640 જેટલા વિદ્યાર્થીઓએ અરજી કરેલી હતી. જેમાંથી 40423 વિદ્યાર્થીઓને મેરીટ મુજબ ફાળવણી આપવામાં આવી છે. તેમાંથી 36706 વિદ્યાર્થીઓએ ચોઈસ ફીલિંગ કરેલ છે, મેરીટ અને  ચોઇસના આધારે 31527 વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં ફાળવણી કરવામાં આવી છે. પ્રવેશ વર્ષ 2024-25 માં આશરે 57656 બેઠકો માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પ્રવેશ સમિતિના સૂત્રોના કહેવા મુજબ એન્જિનિયરિંગની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં 100 ટકા બેઠકો ભરાઈ હોય તેવી 29 સંસ્થાઓ છે. 100 ટકાથી ઓછી અને 75% થી વધુ બેઠકો ભરાઈ હોય તેવી 25 સંસ્થાઓ છે. જ્યારે 50% થી 75% સુધી બેઠક ભરાઈ હોય તેવી 19 સંસ્થાઓ છે. 25% થી 50% સુધીની બેઠકો ભરાઈ હોય તેવી 18 સંસ્થાઓ છે. તથા 25% થી ઓછી બેઠકો ભરાઈ હોય તેવી 43 સંસ્થાઓ છે, તેમજ AICTE કે GTUની મંજૂરી ન મળી હોય અને પ્રવેશ પ્રક્રિયામાં સામેલ ના થઈ હોય તેવી 4 સંસ્થાઓ છે.