અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. અરબી સમુદ્રમાં વર્ષ 2021નું વાવાઝોડુ આગામી બે-ત્રણ દિવસમાં સર્જાવાની શકયતા છે. તા. 16 મેની આસપાસ પૂર્વ-મધ્ય અરબ સાગરમાં તીવ્ર વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે અને ઉત્તર પશ્ચિમમાં આગળ વધી શકે છે. 16 મેના રોજ આ વાવાઝોડાને કારણે કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર સહિતના ઘણા વિસ્તારોમાં 14 થી 16 મે દરમિયાન ભારે વરસાદ પડવાની શકયતા છે. તેમજ આ વાવાઝોડુ 20મી મેના રોજ કચ્છના દરિયામાંથી પસાર થવાની સંભાવના છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2021ના પ્રથમ વાવાઝોડાને તોકતે નામ આપવામાં આવ્યું છે. આ નામ મ્યાનમારે આપ્યું છે. નીચા દબાણનો વિસ્તાર ઉત્તર-પશ્ચિમમાં ખસેડાવાની અને ધીરે ધીરે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને નજીકના લક્ષદ્વીપ ક્ષેત્રમાં તીવ્ર થવાની સંભાવના છે. તે 16 મેની આસપાસ પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ચક્રવાતી તોફાનમાં ફેરવી શકે છે અને તીવ્ર થઈ શકે છે, તેમજ ઉત્તર પશ્ચિમમાં આગળ વધવાનું ચાલુ રાખી શકે છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે લક્ષદ્વીપના મોટાભાગના સ્થળોએ 13 મેના રોજ અને કેટલાક સ્થળોએ અને 14 મેના રોજ ભારે વરસાદ પડી શકે છે. કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં 14 થી 15 મે દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. 14 મેએ લક્ષદ્વીપ, માલદિવના વિસ્તારોમાં 40 થી 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સાથે વરસાદ પડી શકે છે. 15 મેના રોજ, આ વિસ્તારોમાં તેની ગતિ 60 થી 70 કિમી પ્રતિ કલાક સુધીની હોઈ શકે છે. 16 મેના રોજ, લક્ષદીપ વિસ્તારમાં પવનની ગતિ પ્રતિ કલાક 80 કિલોમીટર સુધી પહોંચી શકે છે. તેવી જ રીતે કેરળ, ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે 14 થી 16 મે સુધી ભારે પવનની આગાહી પણ કરવામાં આવી છે.