અમદાવાદઃ ગુજરાતમાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે કાયદો ઘટવામાં આવ્યો છે. દરમિયાન દક્ષિણ ગુજરાતની આર્થિક રાજધાની મનાતા સુરત લવ-જેહાદની પ્રથમ ઘટના સામે આવી છે. 51 વર્ષિય આધેડે હિન્દુ નામ ધારણ કરીને દીકરીની ઉંમરની 22 વર્ષિય હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ રોકડ નાણા પડાવ્યાં બાદ યુવતીને મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા અને નમાઝ પઢવા દબાણ કરતો હોવાથી સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. જેથી પોલીસે ગુનો નોંધીને આધેડની ધરપકડ કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં રહેતી 22 વર્ષિય યુવતી 51 વર્ષિય મુસ્લિમ આધેડના સંપર્કમાં આવી હતી. આધેડે પોતાની ઓળખ છુપાવીને હિન્દુ નામ ધારણ કરીને યુવતી સાથે પરિચય કેળવ્યો હતો. તેમજ પોતે રેલવેમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. આધેડે યુવતીને પ્રેમજાળ ફસાવ્યાં તેના સંબંધીઓને રેલવેમાં નોકરી આપીને રોકડ રૂ. 13.70 લાખ પડાવ્યાં હતા. દરમિયાન દોઢ મહિના પહેલા આધેડ મુસ્લિમ હોવાનું માલુમ પડતા યુવતી સ્તબ્ધ થઈ ગઈ હતી. એટલું જ નહીં તેણે યુવતીને મુસ્લિમ ધર્મ અંગિકાર કરવાની સાથે નમાઝ પઢવા અને બુરખો પહેરવા માટે દબાણ કરતો હતો. આધેડના ત્રાસથી કંટાળેલી યુવતીએ અંતે પોલીસ પાસે મદદ માંગી હતી.
આ અંગે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે મુસ્લિમ આધેડ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. એટલું જ નહીં તેણે હિન્દુ નામ ધારણ કરીને અન્ય કેટલી યુવતીઓ-મહિલાઓને ફસાવી છે તે અંગે પણ પૂછપરછ આરંભી છે.