Site icon Revoi.in

ભારતીય મૂળની પ્રિયંકા રાધાકૃષ્ણને ન્યુઝીલેન્ડમાં મંત્રી તરીકે શપથ લીધા: મંત્રીમંડળમાં સામેલ થનાર પ્રથમ ભારતીય બની

Social Share

કોચી: ભારતીય મૂળની પ્રિયંકા રાધાકૃષ્ણને સોમવારે ન્યુઝીલેન્ડમાં મંત્રી તરીકે શપથ લીધા હતા અને ન્યુઝીલેન્ડના મંત્રીમંડળમાં સામેલ થનાર પ્રથમ ભારતીય બની હતી. પ્રિયંકા મૂળ રૂપથી કેરળની રહેનારી છે અને ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં રહે છે.

જેસિંડા આર્ડર્નના મંત્રીમંડળમાં 5 નવા મંત્રી

ન્યુઝિલેન્ડના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને તેમના મંત્રીમંડળમાં પાંચ નવા મંત્રીઓને સામેલ કર્યા છે, જેમાં પ્રિયંકાનું પણ નામ છે. બે અઠવાડિયા પહેલા દેશની સામાન્ય ચૂંટણીમાં આર્ડર્નની પાર્ટીએ ધરખમ વિજય મેળવ્યો હતો. નવા મંત્રીઓની ઘોષણા કરતા વડાપ્રધાન જેસિંડા આર્ડેર્ને કહ્યું કે, હું કેટલીક નવી પ્રતિભાઓ અને જમીની સ્તરનું અનુભવ ધરાવતા લોકોને સામેલ કરવા માટે ઉત્સાહિત છું.

ફેસબુક પોસ્ટ દ્વારા માન્યો આભાર

ભારતમાં જન્મેલી અને લેબર પાર્ટીના નેતા પ્રિયંકાએ કહ્યું કે, ‘આજનો દિવસ ખૂબ જ ખાસ દિવસ છે. હું આપણી સરકારનો ભાગ બનવાની વિશેષ ભાવનાથી અભિભૂત છું. તેણે ફેસબુક પરની એક પોસ્ટમાં લખ્યું, ‘મને અભિનંદન સંદેશ મોકલનારા દરેક વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર. મંત્રી તરીકે નિયુકત થવા પર અભિભૂત છું અને આ કાર્યકાળ દરમિયાન મંત્રીઓના ઉત્તમ સમૂહ સાથે કામ કરવાની રાહ જોઉં છું.

પ્રિયંકાનો જન્મ ચેન્નઇમાં થયો હતો

પ્રિયંકાનો જન્મ ચેન્નાઇમાં થયો હતો, પરંતુ તેનો પરિવાર કેરળના પારાવુરથી છે. તેનું સ્કુલ સુધીનું ભણતર સિંગાપોરથી અને ત્યારબાદ આગળના અભ્યાસ માટે ન્યુઝીલેન્ડ આવી હતી. તે તેના પતિ સાથે ઓકલેન્ડમાં રહે છે. ઘરેલુ હિંસાનો ભોગ બનેલા મહિલાઓ અને શોષણનો ભોગ બનેલા પ્રવાસી મજૂરો માટે તેણીએ સતત પોતાનો અવાજ ઉઠાવ્યો છે.

2017 માં પ્રથમ વખત સાંસદ ચૂંટાયા હતા

પ્રિયંકા સપ્ટેમ્બર 2017 માં પહેલીવાર લેબર પાર્ટીમાંથી સંસદસભ્ય તરીકે ચૂંટાઇ આવી હતી. 2019માં તેઓ વંશીય સમુદાયોના મંત્રીના સંસદીય ખાનગી સચિવ તરીકે નિયુક્ત થયા હતા. આ ક્ષેત્રમાં તેમના કાર્યથી વિવિધતા, સમાવેશ અને વિશિષ્ટ સમુદાયોના મંત્રી તરીકેની તેમની નવી ભૂમિકા માટે પાયો નાખ્યો. આ સિવાય તે સમુદાય અને સ્વૈચ્છિક ક્ષેત્રના મંત્રી અને સામાજિક વિકાસ અને રોજગાર મંત્રાલયની સહાયક મંત્રી પણ બની ચુકી છે.

લેબર પાર્ટીને મળી પ્રચંડ જીત

ન્યુઝીલેન્ડની ચૂંટણી 2020 માં લેબર પાર્ટીએ ધરખમ વિજય મેળવ્યો. ન્યુઝિલેન્ડના વડાપ્રધાન જેસિંડા આર્ડર્નની આગેવાની હેઠળ લેબર પાર્ટીને 49 ટકાથી વધુ મત પ્રાપ્ત થયા છે, જ્યારે નેશનલ પાર્ટીને 26.9 ટકા મત મળ્યા છે. 120 સભ્યોવાળી સંસદમાં લેબર પાર્ટીને 61 થી વધુ સાંસદ મળી શકે છે, જે બહુમતી કરતા વધુ છે.

_Devanshi