મણિપુરમાં 38 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ,173 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો
- મણિપુરમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ
- 38 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન
- 173 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો
- 5 માર્ચે બીજા તબક્કા માટેનું મતદાન
ઇમ્ફાલ:મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, બિષ્ણુપુર, ચુરાચાંદપુર અને કાંગપોકપી સહિત પાંચ જિલ્લાઓમાં ફેલાયેલી 38 બેઠકો પર આજે મતદાન શરૂ થઇ ગયું છે.પ્રથમ તબક્કામાં 15 મહિલાઓ સહિત કુલ 173 ઉમેદવારો મેદાનમાં છે.
મણિપુરના મુખ્ય ચૂંટણી અધિકારી રાજેશ અગ્રવાલના જણાવ્યા અનુસાર, કુલ ઉમેદવારોમાંથી 39નો ગુનાહિત ઈતિહાસ છે.ભારતીય જનતા પાર્ટીએ તમામ 38 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસ 35 સીટો પર ચૂંટણી લડી રહી છે જ્યારે જનતા દળ 28 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.
મણિપુરના મુખ્ય ચૂંટણી અધિકારી રાજેશ અગ્રવાલના જણાવ્યા અનુસાર, કુલ 12,09,439 મતદારો, જેમાં 5,80,607 પુરૂષ, 6,28,657 મહિલા અને 175 ટ્રાન્સજેન્ડર મતદારો છે, જેઓ 1,721 મતદાન મથકો પર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઇ ચુક્યું છે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે.જે મતદારો કોવિડ પોઝિટિવ છે અથવા ક્વોરેન્ટાઇનમાં છે તેઓને છેલ્લી કલાકમાં બપોરે 3 થી 4 વાગ્યાની વચ્ચે મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે.
60 સભ્યોની મણિપુર વિધાનસભા માટે બે તબક્કામાં મતદાન થવાનું છે.પ્રથમ તબક્કામાં 38 બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં 22 બેઠકો પર મતદાન થશે.બીજા તબક્કાનું મતદાન 5 માર્ચે થશે. ભાજપે નેશનલ પીપલ્સ પાર્ટી (NPP), નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF) અને લોક જનશક્તિ પાર્ટી (LJP) ના સમર્થન સાથે 2017 માં મણિપુરમાં સરકાર બનાવી. જોકે, આ વખતે ભાજપે એકલા જ ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે અને તમામ 60 બેઠકો પર એકલા ચૂંટણી લડી રહી છે. બીજી તરફ કોંગ્રેસે છ રાજકીય પક્ષોનું જોડાણ કર્યું છે અને તેને મણિપુર પ્રોગ્રેસિવ સેક્યુલર એલાયન્સ (MPSA) નામ આપ્યું છે.