નવી દિલ્હીઃ સૌથી પહેલો સંબંધી પડોશી, એવુ ભારત માને છે અને કોરોના મહામારીમાં પાકિસ્તાન અને ચીન સિવાયના પડોશી દેશોને કોવિડ-19ની રસી પણ મોકલી હતી. દરમિયાન હાલ શ્રીલંકા આર્થિક કટોકટીમાંથી નીકળી રહ્યું છે. આર્થિક સંકટમાં ફસાયેલા શ્રીલંકાને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે ભારતે મદદનો હાથ લંબાવ્યો છે અને જરૂરી વસ્તુઓ મોકલી આપવામાં આવી રહી છે. ભારતે 40 હજાર મેટ્રીક ટન જેટલા ચોખા મોકલાવવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન ભારે બીજી વખત શ્રીલંકાને ઈંઘણ મોકલી આપ્યું છે. એટલું જ નહીં જરૂરી દવાઓ પણ મોકલવામાં આવ્યો છે.
ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને ભારત સતત મદદ કરી રહ્યું છે. ઇંધણની કટોકટી દૂર કરવા માટે ભારતે બીજી વખત શ્રીલંકાને ડીઝલ અને પેટ્રોલનો સપ્લાય કર્યો છે. બે દિવસમાં ભારતમાંથી 36 હજાર મેટ્રિક ટન પેટ્રોલ અને 40 હજાર મેટ્રિક ટન ડીઝલ શ્રીલંકા પહોંચ્યું હતું. ભારત પહેલાથી જ શ્રીલંકાને 2.70 લાખ મેટ્રિક ટન ઇંધણ મોકલી ચૂક્યું છે. ભારતે શ્રીલંકાને આર્થિક મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે 1 બિલિયન ડોલરની લોનની પણ જાહેરાત કરી છે. દરમિયાન, ગોટાબાયા સરકાર સતત લોકોના વિરોધનો સામનો કરી રહી છે. શ્રીલંકામાં યુનિવર્સિટીના પ્રોફેસરોએ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.
આર્થિક સંકટ વચ્ચે રાજપક્ષે સરકાર સામે લોકોનો ગુસ્સો પણ વધી રહ્યો છે. હજારો લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધીઓનું કહેવું છે કે સરકાર પાસે પૈસા નથી કારણ કે તેણે ચીનને બધું વેચી દીધું છે. લોકોએ કહ્યું કે, રાજપક્ષે પરિવારે દેશને બરબાદ કરવાનું બંધ કરવું જોઈએ. વિપક્ષી પાર્ટીઓ પણ સરકાર સામે મેદાને આવી છે. શ્રીલંકામાં આવશ્યક દવાઓની પણ અછત છે. તેને જોતા ભારતે પડોશી દેશને જરૂરી દવાઓ મોકલી છે. નેશનલ આઈ હોસ્પિટલ કોલંબોના ડાયરેક્ટર ડૉ. દમ્મિકાએ કહ્યું કે, અમારી મોટાભાગની દવાઓ LOC (લાઈન ઑફ ક્રેડિટ) હેઠળ ભારતમાંથી આવી રહી છે, આ અમારા માટે મોટી મદદ છે.