Site icon Revoi.in

ગુજરાતમાં તબીબી વિદ્યાશાખામાં સ્ટેટ ક્વોટાની બેઠકો પર 17મી ઓક્ટોબરથી પ્રવેશનો પ્રથમ રાઉન્ડ

Social Share

અમદાવાદઃ દેશના જુદા જુદા રાજ્યોની તબીબી કોલેજોની ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે. આ સાથે સ્ટેટ ક્વોટા એટલે કે રાજ્યની મેડિકલ-ડેન્ટલ સહિતની બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા કયારે થશે તેનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવતા હવે ગુજરાત સહિત તમામ રાજ્યોએ આ શિડ્યુલ પ્રમાણે આગામી 16મી ડિસેમ્બર સુધીમાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. રાજ્યની બેઠકો માટે પહેલો રાઉન્ડ 17મી ઓક્ટોબરથી શરૂ કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની મેડિકલ-ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે હાલમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. આ સાથે જ પ્રવેશ પ્રક્રિયા એટલે કે પ્રથમ રાઉન્ડ કયારથી શરૂ થશે તેની પણ સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે. સામાન્ય રીતે ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો માટે રાઉન્ડ થયા બાદ સ્ટેટ ક્વોટાની બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાતી હોય છે. હાલમાં બન્ને બેઠકો માટે શિડ્યુલ જાહેર કરી દેવાયું છે. જેમાં ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો માટે પહેલો રાઉન્ડ 11મી ઓક્ટોબરથી શરૂ કરીને 20 ઓક્ટોબર સુધીમાં પુરો કરવાનો રહેશે. આજ રીતે ડિમ્ડ અને સેન્ટ્રલ યુનિવર્સિટીઓએ પણ આજ દિવસો દરમિયાન મેડિકલ-ડેન્ટલની બેઠકો માટે કાર્યવાહી કરવાની રહેશે. પહેલા રાઉન્ડમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓએ 28મી ઓક્ટોબર સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવી લેવાનો રહેશે.  ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો માટે બીજો રાઉન્ડ 2 નવેમ્બરથી લઇને 10મી નવેમ્બર સુધી કરવાનો રહેશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, તબીબી વિદ્યાશાખામાં બીજા રાઉન્ડમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓએ 18મી નવેમ્બર સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવાન રહેશે. ઓલ ઇન્ડિયા ક્વોટામાં ખાલી પડનારી બેઠકો માટે 23મી નવેમ્બરથી 1લી ડિસેમ્બર દરમિયાન મોપ-અપ એટલે કે ઓફલાઇન રાઉન્ડ કરવામાં આવશે. આ રાઉન્ડમાં ખાલી પડનારી બેઠકો 12મીથી 14મી ડિસેમ્બર દરમિયાન ભરવાની રહેશે. ઓલ ઇન્ડિયા અને સેન્ટ્રલ યુનિવર્સિટીઓ માટે આ પ્રકારે શિડ્યુલ રહેશે. જેની સામે સ્ટેટ ક્વોટાની બેઠકો માટે પણ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં સ્ટેટ ક્વોટા માટે 17મીથી 28મી ઓક્ટોબર દરમિયાન પહેલો રાઉન્ડ કરવામાં આવશે. આ ક્વોટામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓએ 4 નવેમ્બર દરમિયાન પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. બીજો રાઉન્ડ 7મી નવેમ્બરથી 18મી નવેમ્બર દરમિયાન કરવામાં આવશે. બીજા રાઉન્ડમાં 21મી સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. બે રાઉન્ડ બાદ સ્ટેટ ક્વોટાની ખાલી પડેલી બેઠકો માટે 6 ડિસેમ્બરથી 12મી ડિસેમ્બર દરમિયાન કાર્યવાહી કરવામાં આવશે. ઓફ રાઉન્ડમાં પ્રવેશ મળે તેઓએ 16મી ડિસેમ્બર સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. આમ, પહેલા ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો માટે કાર્યવાહી થયા બાદ સ્ટેટ ક્વોટાની બેઠકો માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સ્ટેટ ક્વોટાની મેડિકલ-ડેન્ટલની બેઠકો માટે 17મી ઓક્ટોબરથી 28મી ઓક્ટોબર દરમિયાન પહેલો રાઉન્ડ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સૂત્રો કહે છે આ દરમિયાન રાજ્યમાં દિવાળીના વેકેશનની રજાઓમાં જ આ કાર્યવાહી કરવી પડે તેમ છે. વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યા બાદ કન્ફર્મ કરાવવા માટે પણ આ દિવસોમાં જ જવાનું હોવાથી કોલેજો ચાલુ રાખવી પડે તેમ છે. આ સ્થિતિમાં અધ્યાપકો સહિત અન્ય સ્ટાફમાં નારાજગી જોવા મળી રહી છે.