ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં આગામી તા. 10 ઓક્ટોબરથી પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાશે. જીસીઈઆરટી દ્વારા પ્રથમ સત્રાંત મૂલ્યાંકન અંગેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં 10 ઓક્ટોબરથી શરૂ થનારી મૂલ્યાંકન 18 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોએ નક્કી કરેલા સમયપત્રક મુજબ જ પરીક્ષાનું આયોજન કરવાનું રહેશે. જોકે, ખાનગી સ્કૂલો પરીક્ષા માટે પ્રશ્નપત્રો પોતાની રીતે તૈયાર કરી શકશે. પરંતુ સમયપત્રકનું પાલન તમામ સ્કૂલોએ કરવાનું રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સત્રાંત મૂલ્યાંકન કરવા માટેનું સમાન પરીક્ષા પત્રક તૈયાર કરવામાં આવ્યું છે. ધોરણ-3થી 8ની પ્રથમ સત્રાંત કસોટી માટે દરેક વિષયનું પરિરૂપ રાજ્ય કક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનને આપવામાં આવશે. આ નિયત પરિરૂપ મુજબ ડાયટ દ્વારા પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવશે. પ્રથમ સત્રાંત મૂલ્યાંકનમાં ધોરણ-3થી 8ના તમામ વિષયોમાં પ્રથમ સત્રનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે. ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ વિષયની કસોટીઓ સમાન સમયપત્રકના આધારે સરકારી અને ગ્રાન્ટેડ સાથે ખાનગી પ્રાથમિક શાળાઓએ પણ નિયત સમયપત્રકના આધારે નિયત પરિરૂપના આધારે કસોટી પત્રો તૈયાર કરવાના રહેશે. તેમજ બાકીના વિષયોની કસોટી ખાનગી પ્રાથમિક શાળાઓએ સ્વૈચ્છિક રીતે પોતાની શાળા કક્ષાએ તૈયાર કરેલા સમયપત્રકના આધારે યોજવાની રહેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ખાનગી શાળાઓ ઈચ્છે તો તમામ પ્રશ્નપત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસેથી મેળવીને પોતાની શાળામાં ઉપયોગ કરી શકશે, આ માટે નિયત કરેલી રકમ ખાનગી સ્કૂલોએ ચૂકવવાની રહેશે. સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓએ તમામ વિષયોની સમામ કસોટીઓ સમાન સમયપત્રકના આધારે અમલી કરવાની રહેશે. જે શાળામાં પાળી પધ્ધતિ અમલમાં હોય તે શાળાઓમાં તમામ ધોરણની તમામ વિષયની પરીક્ષા આપેયલા સમયપત્રક જ મુજબ જ યોજવાની રહેશે. ધોરણ-3 અને 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. જ્યારે ધોરણ-5થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્તરો અલગ ઉત્તરવહીમાં લખવાના રહેશે. સામાજિક વિજ્ઞાન વિષયમાં નકશાઓ અને ગણિત વિષયમાં આલેખપત્રની જરૂરી વ્યવસ્થા જિલ્લા તંત્રએ કસોટીપત્રોની સાથે જ કરવાની રહેશે. સત્રાંત કસોટી અંતર્ગત ઉત્તરવહીની ચકાસણી શાળા કક્ષાએ જ કરાવવાની રહેએશે. પરીક્ષાના પરિણામની ઓનલાઈન ડેટા એન્ટ્રી અંગે વિગતવાર સૂચના અલગથી આપવામાં આવશે.