ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચઃ ભારતની ચોથી વિકેટ પડી
દિલ્હીઃ ભારતના પ્રવાસે આવેલ ન્યૂઝીલેન્ડ અને ટીમ ઈન્ડિયા વચ્ચે આજથી કાનપુરમાં પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થયો હતો. પ્રથમ બેટીંગ કરતા ટીમ ઈન્ડિયાએ ચાર વિકેટ ગુમાવી છે. 35 રન બનાવીને કેપ્ટન રહાણે ક્લીન બોલ્ડ થયો હતો. આમ ભારતે પ્રથમ દિવસે 145 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી બે ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ કાનપુરમાં શરૂ થઈ છે. આ મેચ ગ્રીમ પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. આજે ભારત માટે શ્રેયસ અયૈરએ ટેસ્ટ ડેબ્યુ કર્યું છે. આ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ અને મહંમદ શમી નથી રમી રહ્યાં. રહાણે ટીમની આગેવાની કરી રહ્યાં છે અને ચેતેશ્વર પુજારાને ઉપકપ્તાન બનાવવામાં આવ્યાં છે. કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતા અંતિમ-15માં સુર્યકુમાર યાદવને સ્થાન આપવામાં આવ્યું છે.
ન્યૂઝીલેન્ડની ટીમ છેલ્લા વાર ભારતમાં ટેસ્ટ મેચ 1988માં જીતી હતી. માત્ર બે ટેસ્ટ મેચ જ ન્યૂઝીલેન્ડની ટીમ ભારતમાં જીતી શકી છે. ભારતમાં બંને ટીમ વચ્ચે કુલ 34 મેચ રમાઈ છે. જેમાં 16 વાર ભારતની જીત થઈ છે. જ્યારે ન્યૂઝીલેન્ડ માત્ર બે વાર જ જીત્યું છે. જ્યારે 16 મેચ ડ્રો રહી હતી. આ ઉપરાંત બંને ટીમો અત્યાર સુધીમાં કુલ 60 મેચ રમી છે. જેમાં 21માં ભારતની અને 13માં ન્યૂઝીલેન્ડની જીત થઈ છે. જ્યારે 26 મેચ ડ્રોમાં પરિણમી હતી.
(PHOTO-BCCI)