ગાંધીનગર, 24 માર્ચ,: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત માટે જી20ની અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થાય છે. વિવિધ ક્ષેત્રો જેવાં કે, પર્યાવરણ અને આબોહવા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઊર્જા સંરક્ષણ પર કાર્યક્રમો આયોજિત કરવાનું સન્માન ગુજરાતને પ્રાપ્ત થયું છે, જે G-20 સમિટના એકંદર લક્ષ્યો અને એજન્ડા સાથે સુસંગત છે.
ગુજરાત 30 માર્ચથી 1 એપ્રિલ, 2023 દરમિયાન ગ્રીન સિટી ગાંધીનગરમાં પહેલી વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મીટિંગનું આયોજન કરવા માટે સજ્જ છે. આ કાર્યક્રમમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે, જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, કેનેડા, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મોરેશિયસ, ઓમાન, રશિયા, સાઉદી અરેબિયા, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, UAE, UK, USA વગેરે દેશોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ દરમિયાન માનનીય કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે.
કોઆલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (CDRI), યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા પેસિફિક (UNESCAP), ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO), યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (UNDRR), યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP), યુનાઇટેડ નેશન્સ ઑફિસ ફોર પ્રોજેક્ટ સર્વિસિસ (UNOPS), વર્લ્ડ બેંક વગેરે જેવી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા પ્રતિનિધિઓ પણ ગાંધીનગર ખાતે આયોજિત પહેલી વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મીટિંગમાં ભાગ લેશે.
આ ઇવેન્ટની શરૂઆત 29મી માર્ચ 2023ના રોજ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે ‘રિમેમ્બરિંગ ડિઝાસ્ટર: ભવિષ્યની અનિશ્ચિતતાઓનો સામનો કરવા માટે ભૂતકાળની ધરતીકંપની ઘટનાઓમાંથી શીખો’ થીમ પર કર્ટેન રેઝર સેરેમની સાથે થશે. ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આમંત્રિત મહેમાનો માટે ડિનર આયોજિત કરવામાં આવશે.
પ્રથમ દિવસે એટલે કે 30 માર્ચ, 2023ના રોજ ઉદ્ઘાટન સત્ર યોજાશે, ત્યારબાદ પ્લેનરી સેશન આયોજિત થશે, જેમાં DRR (ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન)ના સેક્રેટરી જનરલ માટે ટ્રોઇકા (TROIKA) G20, 2023 અને સંયુક્ત રાષ્ટ્રના વિશેષ પ્રતિનિધિ દ્વારા રિમાર્ક્સ પણ સમાવિષ્ટ હશે. ટેકનિકલ સત્ર ‘અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS) ફોર ઓલ’ થીમ પર રહેશે, જેમાં મજબૂત લાસ્ટ માઈલ કનેક્ટિવિટી સાથે સંકલિત અર્લી વોર્નિંગ સિસ્ટમ્સ સ્થાપિત કરવા અને તેનું વિસ્તરણ કરવાની પ્રતિબદ્ધતા બાબતે ચર્ચા કરવામાં આવશે, જેથી કરીને અર્લી વોર્નિંગ એટલે કે પ્રારંભિક ચેતવણીઓ તમામ માટે સુલભ થઇ શકે.
સાંજના સમયે, આમંત્રિત પ્રતિનિધિઓ સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણશે અને ત્યારબાદ પ્રતિષ્ઠિત મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે પરંપરાગત બેઠક વ્યવસ્થા સાથે રાત્રિભોજન પર સંવાદની મજા માણશે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાન્સ અને ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિકમાં વૈવિધ્યસભર પ્રદર્શન સાથે ભારતના સમૃદ્ધ વારસાને દર્શાવવામાં આવશે.
મીટિંગના બીજા દિવસ એટલે કે 31 માર્ચ, 2023ના દિવસની શરૂઆત યોગ સત્ર સાથે કરવામાં આવશે. ત્યારબાદ ભારતીય શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતિ અને તે પછી પુનિત વન ખાતે ઇકો-ટુર કરવામાં આવશે.
G20ના પ્રતિનિધિઓ માટે ‘ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રિડ્યુસિંગ એન્યુઅલ એવરેજ લોસીસ’, ‘રેગ્યુલેટરી ફ્રેમવર્ક ફોર ડિઝાસ્ટર રિસ્ક ફાઇનાન્સિંગ’; ‘બિલ્ડીંગ અને કોન્ટિનમ ફ્રોમ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટુ રિકવરી એન્ડ રિકન્સ્ટ્રક્શન’ જેવા થીમેટિક એરિયાઝ પર વિવિધ ટેક્નિકલ સત્રો આયોજિત થશે. મુખ્ય પ્રેઝન્ટેશન્સ પણ આ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે પ્રતિનિધિમંડળને ચર્ચા કરવાની તક આપશે.
છેલ્લા દિવસે, એટલે કે 1 એપ્રિલ, 2023ના રોજ પ્રેઝન્ટેશન્સ અને વિચાર-વિમર્શ સાથે ઇમ્પ્રુવ્ડ સોલ્યુશન્સ લાવવા માટે, ‘ઇકોસિસ્ટમ બેઝ્ડ એપ્રોચીસ ફોર ઇન્ટિગ્રેટેડ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (DRR) અને ક્લાયમેટ ચેન્જ એડેપ્ટેશન્સ’ થીમ પર ટેક્નિકલ સેશન યોજાશે. આ ચર્ચામાં વિવિધ મુદ્દાઓ આવરી લેવામાં આવશે, જેવાકે, ટકાઉ સ્થાનિક હસ્તક્ષેપ જે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (ડીઆરઆર), આજીવિકા, ઊર્જા અને પરિવર્તન અનુકૂલન (ચેન્જ અડેપ્ટેશન)ને જોડે છે, પ્રકૃતિ-આધારિત ઉકેલના અમલીકરણ માટે નેશનલ ફ્રેમવર્કનો વિકાસ, સંસાધનોની એક્સેસ વધારવી વગેરે.