જામનગરઃ સામાન્યરીતે જુન અને જુલાઈમાં જામનગરનો દરિયો તોફાની રહેતો હોય છે. આથી દરિયો ખેડવા પર કે માછીમારી કરવા પર 1 જૂનથી 30 જુલાઈ સુધી સુરક્ષાના કારણોસર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. કારણ કે, આ સમયગાળા દરમિયાન દરિયો તોફાની બનતો હોય છે જેને કારણે જાનમાલનું નુકસાન થઈ શકે છે. જેને પગલે મત્સ્યોદ્યોગ વિભાગ તથા પોર્ટ દ્વારા માછીમારી પર આ સમયગાળા દરમિયાન રોક લગાવવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે જુન માસથી દર વર્ષે દરિયો તોફાની થઈ જતો હોય છે આથી મત્સ્યોદ્યોગ વિભાગ તથા પોર્ટ ઓફિસર દ્વારા માછીમારોને આવી સીઝનમાં સમુદ્રમાં માછીમારી માટે જવા પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં અનઅધિકૃત રીતે કોઈ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યા જાય અને દરિયો તોફાની બને તેવા સંજોગોમાં દરિયામાં રહેલા માછીમારોનું જાનનું જોખમ ઉભું થાય તેવો પુરતી સંભાવના હોય છે. નુકસાનીનું જોખમ હોવાને કારણે જ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, જામનગર દ્વારા જાહેરનામું બહાર પાડવા રજુ કરેલ દરખાસ્ત જરૂરી જણાતાં રાજેન્દ્ર સરવૈયા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગર દ્વારા નીચે મુજબના પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવે છે. માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રિક એરીયામાંથી કોઈ પણ માછીમારોએ કે અન્ય વ્યકિતઓએ તા.01/06/2021 થી તા.30/07/2021બન્ને દિવસો સહિતના સમય દરમ્યાન માછીમારી માટે કે અન્ય હેતુસર સમુદ્રમાં કે ક્રીક એરિયામાં જવું નહીં અને કોઈ પણ બોટની અવર જવર કરી શકાશે નહી.