માછીમારોને હવે ડિઝલની સબસિડી સીધી તેમના ખાતામાં જમા થશે
ગાંધીનગરઃ રાજ્યમાં માછીમારોને મળતી ડિઝલ સબસીડી હવે તેમના ખાતાંમાં જમા થશે. એક કે તેથી વધુ 20 મીટર થી ઓછી લંબાઇની યાંત્રિક હોડીઓ ધરાવનાર રાજ્યના તમામ માછીમારોને એન્જીનના હોર્સ પાવર વાઇઝ અને સરકાર દ્વારા માન્ય ડિઝલ પંપો પાસેથી માછીમારીના હેતુ માટે ખરીદેલા વાર્ષિક ડિઝલના ક્વોટા ઉપર 100 ટકા વેટ રાહત આપવામાં આવે છે,જેને ડીઝલ સબસીડી પણ કહેવામાં આવે છે.
ગુજરાતમાં ડિઝલનો ભાવ આસમાને જતાં માછીમારો મુશ્કેલીમાં મુકાયા હતા. માછીમારોના આગેવાનોએ રાજ્ય સરકારને રજુઆત કરી હતી કે, ડિઝલના મોંઘા ભાવ માછીમારોને પરવડતા નથી. આથી માછીમારોને ડિઝલમાં વધુ સબસિડી આપવી જોઈએ તેવી માગ પણ કરી હતી. માચીમારોનો પ્રશ્ન કોંગ્રેસે પણ ઉઠાવ્યો હતો. આખરે મત્સ્યોદ્યોગ ક્ષેત્રે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. માછીમારોને અપાતી ડીઝલ સબસિડી હવે ઓનલાઇન મળશે. હવે સબસિડી ની રકમ માછીમારોના ખાતામાં સીધી જમા થશે. અગાઉ સબસીડીની ચુકવણી માટે આ બિલો મેન્યુઅલી રજૂ કરવા પડતા હતા અને ત્યારબાદ બધી પ્રક્રિયા થતી હતી, જેમાં સમય વધુ બગડતો હતો અને પૈસા મોડા મળતા હતા. પણ હવે રાજ્યના માછીમારોને સબસીડી માટે રાહ નહીં જોવી પડે. રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યના 10 હજાર માછીમાર પરિવારોને સીધો કાયમી ફાયદો થશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી માછીમારોને રાહત થશે.