નવી દિલ્હી: ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતની વૃદ્ધિનું અનુમાન વધારીને 7.2 ટકા કર્યું છે. માર્ચમાં તેણે તે સાત ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. રેટિંગ એજન્સીએ ઉપભોક્તા ખર્ચમાં સુધારો અને રોકાણમાં વધારાને ટાંકીને અંદાજ સુધાર્યો છે. ફિચે નાણાકીય વર્ષ 2025-26 અને 2026-27 માટે અનુક્રમે 6.5 ટકા અને 6.2 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો છે. ફિચે તેના ગ્લોબલ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, “અમારું અનુમાન છે કે ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષ 2024-25માં મજબૂત 7.2 ટકા વૃદ્ધિ પામશે.”
ફિચનો અંદાજ આરબીઆઈના અંદાજને અનુરૂપ છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આ મહિનાની શરૂઆતમાં અનુમાન લગાવ્યું હતું કે ગ્રામીણ માંગમાં સુધારો અને ફુગાવામાં મધ્યસ્થતાના આધારે ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં 7.2 ટકાના દરે વૃદ્ધિ કરશે. રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે રોકાણ વધતું રહેશે, પરંતુ તાજેતરના ત્રિમાસિક ગાળાની સરખામણીએ વૃદ્ધિ ધીમી રહેશે, જ્યારે ગ્રાહક વિશ્વાસમાં વધારો થતાં ગ્રાહક ખર્ચમાં સુધારો થશે.
પરચેઝિંગ મેનેજરોના સર્વેક્ષણના ડેટા ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતમાં સતત વૃદ્ધિ તરફ નિર્દેશ કરે છે. તે કહે છે કે સામાન્ય આગામી ચોમાસાની સિઝનના સંકેતો વૃદ્ધિને વેગ આપશે અને ફુગાવાને ઓછો અસ્થિર બનાવશે. જોકે, તાજેતરની ભારે ગરમીએ જોખમ ઊભું કર્યું છે. ગયા નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 8.2 ટકા હતો.