અમદાવાદઃ રાજ્યમાં યુવાધનને નશાના રવાડે ચડતા બચાવવા માટે નશાના કાળા કારોબારના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ તંત્ર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન કચ્છમાંથી પોલીસે ફિલ્મીસ્ટાઈલે ડ્રગ્સ માફિયાઓનો પીછો કરીને 2.10 કરોડના હેરોઈનનો જથ્થો ઝડપી લીધો હતો. મોટરકારમાં સવાર ડ્રગ્સ માફિયાઓએ પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે તેમની કારનો ફિલ્મી સ્ટાઈલે પીછો કરીને ટાયર ઉપર ફાયરિંગ કર્યા બાદ આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે 420 ગ્રામ જેટલા હેરોઈનના જથ્થા સાથે પંજાબના પાંચ શખ્સોને ઝડપી લઈને રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. આરોપીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
પ્રાથમિક માહિતી અનુસાર ડ્રગ્સનો જથ્થો લઈને કેટલાક શખ્સો આવી રહ્યાં હોવાની બાતમીના આધારે ભુજ એસઓજી અને એલસીબીએ તપાસ આરંભી હતી. તેમજ માધાપર નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન એક કાર શંકાસ્પદ લાગતા તેના ચાલકને કાર અટકાવવા માટે પોલીસે ઈશારો કર્યો હતો. જો કે, કારના ચાલકે વાહન અટકાવવાના બદલે સ્પીડમાં હંકારી હતી. જેથી પોલીસે પણ પોલીસ વાહનમાં કારનો પીછો કર્યો હતો. તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીએ કારના વ્હીલ ઉપર ફાયરિંગ કરીને અટકાવી હતી. આ દરમિયાન બે શખ્સોએ ખુલ્લા ખેતરોમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે તેમનો લગભગ દોઢ કિમી દોડ લગાવીને બંનેને દબોચી લીધા હતા. પોલીસે પંજાબના પાંચેય આરોપીઓને ઝડપી લીધા હતા. તેમજ તેમની અને કારની તપાસ કરતા અંદરથી રૂ. 2.10 કરોડની કિંમતનો હેરોઈનનો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.
કચ્છ પોલીસે પાંચેય આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. આરોપીઓ સામે પંજાબમાં પણ ગંભીર ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળે છે. આરોપીઓ હેરોઈનનો જથ્થો કોને આપવા આવ્યા હતા અને કચ્છ સહિત ગુજરાતમાં તેમના સંપર્કને લઈને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. કચ્છ પોલીસે ઝડપી લીધાલે પાંચેય આરોપીઓ પંજાબના તરનતારન વિસ્તારના હોવાનું જાણવા મળે છે.