ગોંડલ તાલુકાના મોટા ઉમવાડા ગામે વીજતાર તૂટીને પાણીમાં પડતા પાંચ પશુના કરંટ લાગતા મોત
રાજકોટઃ ગોંડલ તાલુકાના મોટા ઉમવાડા ગામના પાદરમાં વહેતી નદીમાં પશુઓ નહાઈ રહ્યા હતા. તે દરમિયાન એક પોલ પરથી વીજળીનો જીવંત વાયર તૂટીને નદીના પાણીમાં પડતા પાંચ જેટલી ભેંસના વીજળીનો કરંટ લાગતા મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. અને આ બનાવની પીજીવીસીએલના અધિકારીઓને જાણ કરાતા વીજ પુરવઠો બંધ કરાયો હતો. એક જ પશુપાલકની પાંચ ભેંસના મોતથી તેમની આજીવિકા છીનવાઈ ગઈ છે. પશુપાલકને વળતર મળે તેવી ગ્રામજનોમાં માગ ઊઠી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલ તાલુકાના મોટા ઉમવાડા ગામે પોલ પરથી વીજળીનો જીવંત તાર તૂટતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. વીજપોલ પરથી વાયરોના ઝોળા પડી ગયા હોવાની ફરિયાદો ઊઠી હતી. પરંતુ વીજ કંપની પીજીવીસીએલ દ્વારા કોઈ દરકાર રાખવામાં આવી નહતી. મોટા ઉમવાડા ગામના પાદરમાં આવેલા બિલેશ્વર મહાદેવ મંદિર પાસેથી વહેતી નદીમાં અમુક પશુઓ નહાઇ રહ્યા હતા ત્યારે અચાનક જ એક વીજતાર તૂટીને પાણીમાં પડ્યો હતો અને તેમાં પ્રવાહ ચાલુ હોઇ તે પાણીમાં પસાર થતાં જ પશુઓને વીજ કરંટ લાગતાં પાંચ ભેંસ મોતને ભેટી હતી.
મોટા ઉમવાડા ગામના ગ્રામજનોના કહેવા મુજબ ગામના બિલેશ્વર મહાદેવ મંદિર પાસે જીવંત વીજપ્રવાહ સાથેનો તાર તૂટીને બિલેશ્વર નદીમાં ખાબક્યો હતો. જેના કારણે 5 ભેંસના મોત નિપજ્યા હતા. આ સમયે નદીમાં 35 પશુઓ નહાવા પડ્યા હતા. પશુપાલક જાવીદભાઈ નકીયાણીની માલિકીની 5 ભેંસના મોત નિપજતા પશુપાલક સહિત ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. બનાવના પગલે PGVCLના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી તેમજ રિપેરિંગ કામગીરી શરૂ કરી હતી.