અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિરના શિખર ઉપર આજે પાંચ સદી બાદ અને આઝાદીના 75 વર્ષ પઢી ધ્વજા ફરકતી થઈ હતી. ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. તેમજ મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કર્યું હતું.
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢ ડુંગર ખાતે શ્રી કાલિકા માતાના પુનઃવિકાસિત મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વિસ્તારના મહાકાળી માતાજીનું મંદિર સૌથી જૂના મંદિરોમાંનું એક છે અને મોટી સંખ્યામાં યાત્રાળુઓને દર્શન કરવા આવે છે. મંદિરનો પુનઃવિકાસ 2 તબક્કામાં કરવામાં આવ્યો છે. પુનઃવિકાસના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા આ વર્ષની શરૂઆતમાં એપ્રિલમાં કરવામાં આવ્યું હતું. બીજા તબક્કાના પુનઃવિકાસનો શિલાન્યાસ 2017માં પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો. આમાં મંદિરના પાયા અને ‘પરિસર’નું ત્રણ સ્તરે વિસ્તરણ, સ્ટ્રીટ લાઇટ, CCTV સિસ્ટમ વગેરે જેવી સુવિધાઓની સ્થાપનાનો સમાવેશ થાય છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુનઃ વિકાસના બીજા તબક્કાનું લોકાર્પણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એ ક્ષણના મહત્વને રેખાંકિત કર્યું કે, જ્યારે 5 સદીઓ પછી અને આઝાદીના 75 વર્ષ પછી પણ મંદિર પર ‘ધ્વજા’, પવિત્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આજે સદીઓ બાદ ફરી એકવાર પાવાગઢ મંદિરના શિખર પર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. આ ‘શિખર ધ્વજ’, ધ્વજ માત્ર આપણી આસ્થા અને આધ્યાત્મિકતાનું પ્રતીક નથી પરંતુ આ ધ્વજ એ હકીકતનું પણ પ્રતીક છે કે સદીઓ બદલાય છે, યુગ બદલાય છે, પરંતુ આસ્થા શાશ્વત રહે છે.”