કોરોનાને લીધે દ્વારકાધિશ મંદિરની આવકમાં પાંચ કરોડનો ઘટાડો
જામખંભાળિયાઃ દેશના સુપ્રસિદ્ધ યાત્રાઘામ દ્વારકાના જગત મંદિરની આવકમાં કોરોના મહામારીના કારણે ચાલીસ ટકાનો ઘટાડો થયો છે. ગત નાણાકીય વર્ષમાં 10 કરોડની આવક અપેક્ષિત હતી, તેની સામે 6.35 કરોડની વાર્ષિક આવક થઈ હતી. દ્વારકા જગત મંદિરની વર્ષ 2019-20 ના વર્ષમાં 11 કરોડ 3 લાખની આવક થઈ હતી, પરંતુ વર્ષ 2020-21ના વર્ષમાં કોરોના મહામારીના કારણે જગત મંદિરની આવકમાં ઘટાડો થયો છે. તા.31-3-2021 સુધીમાં દેવસ્થાન સમિતિના જણાવ્યાનુસાર 6 કરોડ 35 લાખ 72 હજાર નવસોની આવક નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં મંદિર બંધ હોવાથી ભક્તોએ ઓનલાઈન અને પ્રત્યક્ષ ભોગમાં રકમ લખાવી હતી. જેથી આવકમાં ઘટાડો થયો હતો.
કોરોનાના સંક્રમણને કારણે છેલ્લા એક વર્ષ દરમિયાન યાત્રિકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. યાત્રિકોની સલામતી માટે મંદિર દર્શન માટે બંધ પણ રાખવામાં આવ્યું હતું. કોરોનાકાળમાં મંદિર ત્રણ મહિના જેટલા લાંબા સમય બંધ રહ્યું હતું જે પછી પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને અમુક તહેવારોમાં જગત મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. જેના કારણે આવકમાં ગાબડું પડ્યું છે. મંદિરની આવક હજુ પણ વધુ ઘટી શકત પરંતુ ઓનલાઈન ભોગ લખાવવાના કારણે આટલી આવક થઈ હતી.