Site icon Revoi.in

ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, 20 જિલ્લાને યલો અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભાદરવો ભરપૂર બન્યો છે. દરમિયાન પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી કડાકાભડાકા અને ઠંડા પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. વહેલી સવારે માત્ર પશ્ચિમ વિસ્તારમાં અડધો કલાક વરસાદ પડ્યો હતો, જેમાં ચાંદખેડામાં 1 ઇંચ, ગોતા અને સોલામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં આજે સવારે 6 વાગ્યે પુરા થતાં  છેલ્લા 24 કલાક દરમિયાન 190 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ, સાબકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 30 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ ડાંગ, સોજિત્રા, વડોદરા, તારાપુર, આંકલાવ અને ધોળકામાં 10 મિમી કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 28.24 ઈંચ વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે. જ્યારે કચ્છ અને ઉત્તરગુજરાતના કેટલાક વિસ્તારો હજી કોરા ધાકોર છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે આજે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ, જ્યારે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર- સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદ માટેનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બુધવારે વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં અતિભારે-નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ભારે જ્યારે ગુરુવારે રાજકોટમાં અતિભારે અને વલસાડ, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં સરેરાશ 85 ટકા વરસાદ થયો છે. ગત વર્ષે 27 સપ્ટેમ્બર સુધી 135 ટકા વરસાદ થયો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે 50 ટકા વરસાદ ઓછો છે. રાજ્યમાં હજુ પણ 10 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં આ સીઝનમાં અત્યારસુધી થયેલા વરસાદમાં 50 ટકા વરસાદ તો એકલા સપ્ટેમ્બર મહિનામાં જ થયો છે. સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ 110 મિમી જેટલો વરસાદ થતો હોય છે. આ વર્ષે 340 મિમી, એટલે કે સરેરાશથી ત્રણ ગણા ટકા વરસાદ થયો છે. ટકાવારીની રીતે દેશમાં સપ્ટેમ્બરમાં સરેરાશની સામે સૌથી વધુ ગુજરાતમાં વરસાદ છે. ભારતીય હવામાન ખાતાની 110 વર્ષ (1901-2010) ઓલ ઇન્ડિયા રેઇનફોલ મંથલી આંકડાઓને આધારે કરાયેલા વિશ્લેષણ મુજબ, છેલ્લાં 100 વર્ષના ચોમાસાના ઇતિહાસમાં આ વર્ષે સપ્ટેમ્બરનો આ સમયગાળાનો બીજા નંબરનો સૌથી વધુ વરસાદ છે.