પાલનપુરઃ બનાસકાંઠામાં ભારે વરસાદથી નદી-નાળાં અને તળાવોમાં પાણી ભરાયા છે. ત્યારે પાણીમાં ડુબી જવાના જુદા જુદા બે બનાવોમાં પાંચના મોત નિપજ્યા હતા. જેમાં કાંકરેજ તાલુકાના ફતેપુરા ગામે તળાવમાં ત્રણ વિદ્યાર્થીઓ ડુબી જતાં મોત નિપજ્યા હતા. જ્યારે દાંતા તાલુકાના રંગપુર નજીક નદીના પ્રવાહમાં પિતા-પૂત્ર તણાયા હતા. પૂત્રને બચાવવા પિતાએ પણ નદીમાં ઝંપલાવ્યું હતું અને બન્ને તણાયા હતા. એનડીઆરએફની ટીમે પિતાની ડેડબોડી શોધી કાઢી હતી,
બનાસકાંઠામાં ડુબવાની ધટનાની વિગતો એવી મળી છે. કે, કાંકરેજ તાલુકાના ફતેપુરા ગામે તળાવમાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. શાળા છૂટ્યા બાદ તળાવ પાસે વિદ્યાર્થીઓ કુદરતી હાજતે ગયા હતા. આ દરમિયાન એક બાળકનો પગ લપસી જતા તે તળાવમાં પડ્યો હતો. આ દરમિયાન બે વિદ્યાર્થીઓ તેને બચાવવા જતાં તે પણ તળાવમાં ડૂબી ગયા હતા. જેમાં ધોરણ 3માં અભ્યાસ કરતા શૈલેષજી ઠાકોર અને કિશન ઠાકોર તેમજ ધોરણ 8માં અભ્યાસ કરતા શૈલેષ પરમારનું પણ ડૂબી જવાથી મોત નિપ્જયું હતુ ત્રણેય વિદ્યાર્થીના મોતના સમાચાર મળતા ગામમાં ફરેરાટી ફેલાઈ હતી. મૃત્યુ પામેલા ત્રણેય વિદ્યાર્થીઓ તેરવાડા ગામના વતની છે. આ બાળકો ફતેપુરાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા. સ્થાનિક તરવૈયાઓએ ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્રણેય બાળકોના મૃતદેહ દિયોદરની રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. જ્યારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ ઉપરાંત ડુબી જવાના બનાવમાં પિતા-પૂત્ર બેના મોત મિપજ્યા હતા. જેમાં દાંતા તાલુકાના રંગપુર નજીક નદીના પ્રવાહમાં પિતા પૂત્ર તણાયા હતા. નદીમાં ભારે પ્રવાહના કારણે તણાયા હતા. મળતી જાણકારી મુજબ પુત્ર નદીને પાર કરતા વખતે પાણીમાં તણાઈ ગયો હતો. ત્યારે પિતા પોતાના પુત્રને બચાવવા માટે નદીમાં જતા પિતા પુત્ર બંને નદીના ભારી પ્રવાહમાં તણાયા હતા. ગ્રામજનોને ઘટનાની જાણ થતાં નદીમાં શોધખોળ શરૂ કરી હતી, પરંતુ પિતા-પૂત્રનો પતો ન લાગતા એનડીઆરએફ ટીમનો સંપર્ક કર્યો હતો. જિલ્લાની એનડીઆરએફ ટીમ રંગપુર જોડે નદીમાં લાપતા થયેલા બંને પિતા-પુત્રની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન પિતાની લાશ મળી હતી, હજી પુત્રની તલાશ જારી છે.