ગાંઠિયામાં ખાવાના સોડાને બદલે વોશિંગ પાવડર મિશ્રિત કરતા પાંચ કંદોઈ રાજકોટમાં પકડાયા
અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં કોઈપણ ગામ કે શહેરમાં જાવ તો ગાંઠિયા તો મળે જ. ભાવનગરમાં તો સવારમાં જ ગરમા ગરમા ગાંઠિયાના તાવડાં શરૂ થઈ જાય છે. રાજકોટ અને ગોંડલમાં પણ ગાંઠિયા ખાવાનું ચલણ છે. સ્વાદના શોખીનોની સવાર ગાંઠિયાના જ્યાફત સાથે થતી હોય છે. સૌરાષ્ટ્રમાં લોકો ગાંઠિયાની દુકાનો પર ટોળે વળીને નાસ્તા કરતા ઠેરઠેર દેખાતા હોય છે. આવામાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરની ફરસાણની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં 5 એકમમાંથી ચકાસણી કરતા ગાંઠિયાના લોટમાં સોડાને બદલે વોશિંગ પાવડર નાંખતા હતા. ફરસાણના વેપારીઓના કહેવા મુજબ વોશિંગ પાવડર નાંખવાથી ગાંઠિયા રૂ જેવા પોચા બને છે. અને ખાવાના સોડા કરતા વોશિંગ પાવડર સસ્તા હોવાથી ફરસાણના વેપારીઓ વોશિંગ પાવડરનો ઉપયોગ કરતા હોય છે.
રાજકોટની પાંચ દુકાનોમાં ગાંઠિયામાં વોશિંગ પાવડરનો ઉપયોગ થતો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ પાંચ એકમમાંથી ત્રણમાં વોશિંગ સોડાનો 25 કિલો જથ્થો મળી આવ્યો હતો. વેપારીઓ વધુ નફો કરાવવાના લાલચે ગ્રાહકોના જીવ સાથે ચેડા કરે છે. ગાંઠિયામાં ખાવાના સોડાને બદલે વોશિંગ પાવડરનો ઉપયોગ કરે છે. જે લોકોના આરોગ્ય પર મોટું જોખમ છે. રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ફરસાણ બનાવતા એકમો પણ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 5 એકમમાંથી ચકાસણી કરતા ફરસાણ બનાવવા માટે કપડાં ધોવાના વોશિંગ પાઉડરનો ઉપયોગ જોવા મળ્યો હતો. આ પાંચ પેઢીમાંથી ત્રણમાં વોશિંગ સોડા 25 કિલો ઉપરાંત અલગ અલગ સ્થળેથી પાપડી 8 કિલો, સક્કરપારા 2 કિલો, પેંડા 4 કિલો, મોહનથાળ 10 કિલો, મોતીચુર લાડુ 3 કિલો, તીખી પાપડી 20 કિલો, તીખા ગાંઠીયા 22 કિલો, સૂકી કચોરી 4 કિલો, સમોસા 21 કિલો,તીખુ ચવાણું 8 કિલો જેવા અખાદ્ય ફરસાણ મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ખાવાના સોડા કરતા વોશિંગ પાઉડર સસ્તો હોવાથી અને વેપારીઓ દ્વારા વધુ નફો કમાવવાની લાલચે ગાંઠિયામાં ખાવાના સોડાના બદલે વોશિંગ પાઉડરનો ઉપયોગ કરી સામાન્ય નાગરિકના આરોગ્ય સામે ચેડાં કરવામાં આવી રહ્યા હતા. આ ગાંઠિયા ખાવાથી લોકોના આંતરડા અને હોજરીમાં નુકસાન થાય છે.