ઉત્તરપ્રદેશના ટાંડામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં પાંચના મોત
- પૂરઝડપે પસાર થતી કાર પલટી ખાઈ ગઈ
- અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા
- ત્રણ મૃતકોની પોલીસે કરી ઓળખ
લખનૌઃ ઉત્તરપ્રદેશના ટાંડા વિસ્તારમાં રાતના ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયાં છે. એક વ્યક્તિને ગંભીર રીતે ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. મોટરકારમાં છ વ્યક્તિઓ સવાર હોવાનું જાણવા મળે છે.
ટાંડાના સીકમપુર ચાર રસ્તા નજીક પૂરઝડપે પસાર થતી કારને અકસ્માત નડ્યો હતો. રાતના સર્જાયેલી આ ઘટનામાં પાંચ વ્યક્તિઓના મોત થયાં છે. આ બનાવને પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી તેમજ બચાવ કામગીરી આરંભી હતી. પોલીસે એક ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. મૃતકો પૈકી 3ની ઓળખ થઈ છે. મૃતકોમાં પૂરન દિવાકર, મનોજ દિવાકર અને ચાલક હરેન્દ્ર ઠાકુરનો સમાવેશ થાય છે. પોલીસે તમામ મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. જ્યારે અન્ય બે મૃતકોની ઓળખ મેળવવા માટે કવાયત આરંભી છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા કવાયત આરંભી છે. બીજી તરફ ટાંડામાં માર્ગ અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.