Site icon Revoi.in

થરાદ-ધાનેરા હાઈવે પર કાર અને ટ્રક-ટ્રેલર વચ્ચે અકસ્માતમાં પાંચના મોત, 3ને ઈજા

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં રવિવારની વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ધાનેરા – થરાદ હાઇવે પર અલ્ટો કાર અને ટ્રક-ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 5 લોકોનાં મોત નિપજ્યા હતા. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે અને બે લોકોના સારવાર દરમિયાન મોત ધાનેરા તેમજ થરાદ પંથકના વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે.  આ અકસ્માતમાં 3 વ્યક્તિઓને ઈજા થતાં  સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતને પગલે ધાનેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની વિગત એવી જાણવા મળી છે કે, ઘાનેરા-થરાદ હાઈવે પર  ટ્રક ટ્રેલરની પાછળ અલ્ટો કાર આવતી હતી. જેમાં ટ્રક ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતાં કાર ચાલકે ઓવરટેક કરવા જતાં કાર ટ્રક ટ્રેલર સાથે અથડાઈ હતી. જેમાં 5 લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં 2 બાળકો અને 3 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તેમજ 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. અકસ્માતની જાણ ધાનેરા પોલીસને થતાં 108 તેમજ ધાનેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી રાહતની કામગીરી શરૂ કરી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. આજે વધુ એક કાર અકસ્માતમાં પાંચ લોકો મોતને ભેટ્યા છે. મૃતકો લાખણી તાલુકાના ભાકડીયાલ તેમજ જડિયાળ ગામના વતની છે. અને ધાનેરાથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જોયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.