Site icon Revoi.in

રાજુલાના કોવાયા વિસ્તારમાંથી પાંચ સિંહને રેસ્ક્યુ કરીને લઈ જવાતા વન વિભાગ સામે વિરોધ

Social Share

અમરેલીઃ જિલ્લાના  રાજુલા પાસેના કોવાયા વિસ્તારમાંથી રેસ્ક્યુ કરી 5 સિંહોને વનવિભાગે ખસેડી લેતા વિવાદ સર્જાયો છે. સ્થાનિક સિંહ પ્રેમીઓએ પ્રાંત અધિકારી અને રેન્જ ફોરેસ્ટરને આવેદનપત્ર આપીને વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, કોવાયા વિસ્તારમાંથી રેસ્ક્યુના બહાને 5 સિંહોને જસાધાર લઈ જવામાં આવ્યા છે. વનવિભાગ દ્વારા ક્યા કારણોસર સિંહોનું સ્થળાંતર કરવામાં આવ્યું એ બાબતે વનવિભાગ કોઈ જ ખુલાસો આપ્યો નથી. સિંહોને ફરીથી તેના કુદરતી વાતાવરણમાં વિહરતા છોડી દેવાની સિંહ પ્રેમીઓએ માંગ કરી છે.એશિયાટિક સિંહ અને અમરેલી જિલ્લાની શાન ગણાતા ડાલામથ્થા વનરાજ પરિવારનું રેસ્ક્યૂ કરાયું હતું. જેના 5 દિવસ બાદ પણ સિંહ પરિવારને પરત ન લવાતા સિંહપ્રેમીઓની ચિંતા વધી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલીના રાજુલા પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાંથી ગત તા. 18 ઓગસ્ટની મધરાતે ધારી ડિવિઝન ગીર પૂર્વની ખાંભા તુલસીશ્યામ રેન્જ દ્વારા 3 સિંહણ સહિત 5 સિંહના ગ્રૂપને પાંજરે પૂરી લઈ જવાયા હતા.આ કાર્યવાહી સ્થાનિક પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના વનવિભાગને દૂર રાખીને કરાઈ હતી.વનવિભાગની આ કાર્યવાહી આસપાસના સિંહપ્રેમીઓને શંકાસ્પદ લાગતા તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે સિંહ સ્વસ્થ હોવા છતાં શા માટે તેમને અહીંથી લઈ જવામાં આવ્યા? શા માટે સિંહને પરત લાવવામાં નથી આવતા? સિંહ પ્રેમીઓના આ સવાલનો જવાબ વનવિભાગે આપ્યો નથી. આ અંગે કોવાયા ગામના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ તંદુરસ્ત પ્રાણીને પાછા લાવવા અમે વનમંત્રી અને જે કઈ પણ ડીવીઝન હશે તેને પત્ર લખીશું. જેના ભાગરૂપે આજે આ ગ્રામજનોએ અને સ્થાનિક સિંહ પ્રેમીઓએ પ્રાંત અધિકારી અને રેન્જ ફોરેસ્ટરને આવેદનપત્ર આપ્યું હતું