Site icon Revoi.in

ગણેશ વિસર્જન દરમિયાન રાજકોટ અને કચ્છના આદિપુરમાં ડૂબી જવાના બે બનાવોમાં પાંચના મોત

Social Share

અમદાવાદઃ રાજ્યભરમાં નાના-મોટા શહેરો અને ગામડાંઓમાં પણ ગણેશોત્સવ ઉજવાય રહ્યો છે. શ્રદ્ધાળુંઓ નદી અને તળાવોમાં જઈને ગણેશજીની મૂર્તિના વિસર્જન કરી રહ્યા છે. ગણેશ વિસર્જન દરમિયાન કચ્છના આદિપુરના તળાવમાં ત્રણ વ્યક્તિઓ અને રાજકોટના આજી ડેમમાં મામા-ભાણેજના મોત નિપજ્યા હતા.આમ ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જવાના બે બનાવોમાં પાંચ વ્યક્તિના મોત નિપજ્યા હતા.

કચ્છના ગાંધીધામના આદિપુરમાં શનિવારે સાંજે ગણેશ વિસર્જન દરમિયાન અંતરજાળ પાસે આવેલા તળાવમાં ગણપતિનું વિસર્જન કરતી વખતે પાંચ લોકો તળાવમાં ડૂબી ગયા હતા. જેમાં પાંચ પૈકી ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય બે લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે બીજા બનાવમાં રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં મામા-ભાણેજનું આજી ડેમમાં ડુબી જવાથી કરૂણ મોત નિપજ્યું હતુ. વિસર્જન દરમિયાન આજી ડેમમાં મામા-ભાણેજ ડુબી જતાં પરિવારમાં ગણેશ વિસર્જનની ખુશીઓ શોકમાં ફેરવાઈ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના ગાંધીધામના આદિપુરના તળાવમાં વિસર્જન કરવા આવેલા લોકો પૈકી પાંચ લોકો ડૂબ્યાની જાણ ફાયર ટીમને કરાતા ફાયર ટીમ, આદિપુર પોલીસ તેમજ 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને તમામને તળાવમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પાંચેયને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં હોસ્પિટલના તબીબોએ ત્રણ વ્યક્તિઓને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય બે લોકોની સારવાર ચાલુ છે. આ બનાવને પગલે બહોળી સંખ્યામાં સગા-સબંધીઓ રામબાગ હોસ્પિટલે દોડી ગયા હતા. ત્રણ વ્યક્તિઓ તેમનાં પરિવારની નજરની સામે ડૂબતા ગમગીની વ્યાપી ગઈ હતી. મૃતકોમાં અશોક પાલ (ઉં.વ.48), કિશોર સાંખલા (ઉં.વ.48) તથા  સાહિલ આસિસ પાલ (ઉં.વ.15)નો સમાવેશ થાય છે.

ગણેશ વિસર્જન દરમિયાન ડુબી જતાં મોતના બીજા બનાવની વિગતો એવી છે. કે, રાજકોટના કોઠારિયા રોડ પર આવેલી મણીનગર સોસાયટીમાંથી ગણેશ વિસર્જન માટે આજીડેમ ગયા હતાં, જ્યાં ગણેશ વિસર્જન કરતા સમયે મામા-ભાણેજ ડૂબી ગયા હતા. મામા રામભાઇની ઉંમર ૩૩ વર્ષ હતી, જ્યારે ભાણેજ હર્ષની ઉંમર 19 વર્ષ હતી. એક જ પરિવારના બે લોકોના મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. મામા-ભાણેજના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.

આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ફાયરની ઘટના સ્થળે પહોંચી હતી અને બન્નેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. એક જ પરિવારના 2ના મોતથી શોકનો માહોલ છવાયો છે. બંને યુવાનો ડૂબતા હોય તેનો વિડિયો વાયરલ થયો હતો.