ભુજઃ શહેરના પોશ વિસ્તારમાં ગણાતા અનમ બજારના એક કોમ્પ્લેક્સમાં રાતના સમયે કોઈ કારણસર એકાએક આગ ફાટી નિકળતા પાંચ જેટલી દુકાનો અને લાખો રૂપિયાનો માલ-સામાન બળીને ભસ્મ થઈ ગયો હતો. આગને કાબુમાં લેવા ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. અને પાણીના સતત મારા બાદ પાંચ કલાકને અંતે આગ પર કાબુ મેળવી શકાયો હતો. એક સાથે પાંચ દુકાનોમાં તેમજ બાજુના એક મકાન સુધી આગ ફેલાઈ જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
ભૂજ શહેરના અનમ બજારમાં આવેલા તેજ કોમ્પ્લેક્સના એક ઈલેક્ટ્રોનિક્સના શો રૂમમાં ભભૂકેલી આગ અન્ય પાંચ જેટલી દુકાનોમાં ફેલાઈ જતા દુકાનોમાં રહેલો કીમતી માલસામાન બળીને ખાક થઈ ગયો હતો.. રાત્રિના એક વાગ્યાની આસપાસ શરૂ થયેલી આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.આગને કાબૂમાં લેતા ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અંતે 6 કલાકની જહેમત બાદ સવારે આગ ઉપર કાબૂ મેળવી શકાયો હતો.
ભૂજના ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ ગત રાત્રિના એક વાગ્યા બાદ અનમ રિંગ રોડ ખાતે આવેલા તેજ ઈલેક્ટ્રોનિક્સ નામના શો રૂમમાં સંભવિત શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઊઠી હતી. આ આગની જ્વાળાઓએ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસની અને નીચે રહેલી શૂઝની દુકાનમાં, લગ્નસરાની વસ્ત્ર પરિધાન માટે જાણીતી મણિભદ્ર ફેશન તથા અન્ય રેડીમેડ કપડાંની દુકાનમાં ફેલાઈ ગઈ હતી. એક સાથે પાંચ દુકાનોમાં તેમજ બાજુના એક મકાન સુધી આગ ફેલાઈ જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને કાબૂમાં લેતા ફાયર વિભાગને 6 કલાક જેટલો સમય લાગ્યો હતો. જોકે, આગ કાબૂમાં આવે તે પહેલાં આખું કોમ્પ્લેક્સ બળીને ખાક થઈ ગયું હતું. હાલ દુકાન માલિકો દ્વારા સાફસફાઈની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગની ઘટનાને પગલે વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. ઘટનાસ્થળ આસપાસ રહેણાક એપાર્ટમેન્ટ પણ આવેલાં છે, સદભાગ્યે આગની જ્વાળાઓને આગળ વધતી અટકાવી દેવામાં આવતા જાનહાનિ ટળી હતી. આગને કાબૂમાં લેવા ફાયર વિભાગે અંદાજે 66,000 લિટર પાણીનો મારો ચલાવ્યો હતો. જે બાદ આગ કાબૂમાં આવી હતી.
ફાયર બ્રિગેડના સૂત્રોએ ઉમેર્યું હતું કે, આગ એક ઘર સુધી પહોંચી જતા ઘરમાં રાખેલાં ગેસનાં 3 સિલિન્ડરને આગમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. સિલિન્ડરની બાજુમાં જ આગ લાગેલી હતી, જેને ઘણી સાવચેતીથી કૂલિંગ કરીને ગેસના બાટલાને આગમાંથી બહાર કાઢ્યા હતા.