નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોએ લોકોને ચોંકાવી દીધા હતા. આ ચૂંટણીમાં અનેક મોટા નેતાઓને પરાજયનો સામનો કરવો પડ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ચન્ની અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જ્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક લાખ મતથી વિજય થયો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાંવત અને મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહની જીત થઈ છે. આમ પાંચ રાજ્યો પૈકી બે રાજ્યના મુખ્યમંત્રીને પરાજનો સામનો કરવો પડ્યો છે. પંજાબમાં કેપ્ટનની પણ હાર થઈ છે.
પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ આમ આદમી પાર્ટીને જીતની શુભકામનાઓ પાઠવી હતી. જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને વિજેતાઓને શુભકામના પાઠવી હતી. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનો સાથ છોડીને સપામાં જોડાયેલા સ્વામી પ્રસાદ મૌર્યનો પણ પરાજય થયો હતો. તેઓ ફાજીલનગર બેઠક ઉપરથી ચૂંટણી લડ્યાં હતા. આ બેઠક ઉપર ભાજપના સુરેન્દ્ર કુશવાહની જીત થઈ છે. દરમિયાન સ્વામી પ્રસાદે ટ્વીટ કરીને તમામ જીતેલા ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી હતી. તેમજ કહ્યું હતું કે, ચૂંટણી હાર્યો છું હિંમત નથી હાર્યો, સંઘર્ષનું અભિયાન ચાલુ રહેશે. બીજી તરફ પંજાબમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર મનાતા નવજોત સિહ સિદ્ધુનો પણ પરાજય થયો છે. ઉત્તરાખંડમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતનો પણ પરાજય થયો હતો. હરીશ રાવત લાલકુંઆ સીટ પર 14 હજાર વોટથી હાર્યાં હતા.
પંજાબમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માન 58 હજારની લીડથી જીત્યાં હતા. તેમણે પંજાબની ધૂરી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. ભગવંત માને કોંગ્રેસના દલવીરસિંગ ગોલ્ડીને પરાજીત કર્યાં હતા.