અમદાવાદઃ ગુજરાતમાં હાલ ચોમાસુ જામ્યું છે. દરમિયાન અનેક સ્થળો ઉપર મકાનો અને દીવાલો ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં સચિન નજીક પાંચ માળની ઈમારત ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં સાત વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. મોડે સુધી ફાયરબ્રિગેડ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. આ દૂર્ઘટનામાં હીરામણ કેવટ, અભિષેક કેવટ, સાહિલ, શુવપૂજન કેવટ, પરવેશ કેવટ, બ્રિજેશ ગૌંડ નામની વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સચિનના પાલીગામ પાસે પાંચ માળની એક ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી. જેના પગલે દોડધામ મચી ગઈ હતી. 5 માળની ઇમારત એકાએક ધરાશાયી થઈ જતાં આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. સુરતના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખના જણાવ્યા અનુસાર, આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન એક મહિલાનો અવાજ સંભળાયો હતો, જેથી ફાયર બ્રિગેડના જવાનોને અંદર મોકલીને મહિલાને બહાર કાઢી હતી. અત્યાર સુધીમાં ટીમે સાત લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. હજુ સુધી કોઈના ગુમ થયાની કોઈ માહિતી સામે આવી નથી. નજીકના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે કોઈ વ્યક્તિ ગુમ છે કે કેમ.
આ દૂર્ઘટનાને પગલે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત, સૂરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાની, ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટિલ, ભાજપ ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત વિપક્ષના નેતા પાયલ સાકરિયા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં બિલ્ડિંગ ધરાશાયી થવાનું કારણ સ્પષ્ટ થયું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદને કારણે જર્જરિત ઈમારત પડી ગઈ હતી.