સુરતઃ દેશમાં સુરત શહેરની ગણના એક સમૃદ્ધ શહેર તરીકેની થાય છે. શહેરના હીરા તથા કાપડ ઉદ્યોગની નામના દેશભરમાં છે. ત્યારે આસાનીથી લૂંટ કરીને મોટી રકમ મેળવી લેવાશે એવા આશયથી ઉત્તર પ્રદેશથી પાંચ લૂંટારૂઓની ગેન્ગ તમંચા સહિતાના હથિયારો સાથે સુરત આવી હતી. અને આંગડિયા પેઢીને લૂંટ કરવા માટેનું નક્કી કર્યું હતુ. રેકી પણ કરી હતી. દરમિયાન શહેરની ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા પાંચેય લૂંટારૂ શખસોને તમંચા સહિતના હથિયારો સાથે દબોચી લીધા હતા.
શહેરમાં યુપીની લૂંટારૂ ગેન્ગે આંગડિયા પેઢીમાં ડાયમંડની લૂંટ ચલાવવા જબરજસ્ત પ્લાનિંગ કર્યું હતું. જોકે, લૂંટારુઓ તેમના મનસુબામાં સફળ થાય તે પહેલા જ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પાંચેય શખસોને દબોચી લીધા હતા. આરોપીઓએ લૂંટ કરવા માટે મોટરસાયકલની ચોરી પણ કરી હતી. ઉપરાંત બે છરા, પિસ્તોલ અને મરચાની ભુકી સાથે લૂંટ કરવાની તમામ તૈયારીઓ કરી હતી. શહેરના વરાછા, કપોદ્રા, પુણા, સરથાણા સહિતના વિસ્તારોમાં ટ્રાવેલ્સમાં સૌરાષ્ટ્ર તરફથી આંગડિયા પેઢીના રૂપિયા તથા ડાયમંડ પાર્સલો આવતા હોય છે. આ પાર્સલો વહેલી સવારે સિક્યુરિટી સાથે બોલેરો કારમાં લઈ જવામાં આવે છે. ત્યારે આંગડિયા પેઢીના ચાલતા કામકાજમાં 5 લૂંટારુઓએ વહેલી સવારે લૂંટ ચલાવવાનો પ્લાન તૈયાર કર્યો હતો.
શહેર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના કહેવા મુજબ શહેરના પુણા વિસ્તારમાં આવેલી ઓરબિટ બિલ્ડિંગની સામે મેઈન રોડ પાસે એક ટ્રાવેલ્સમાં સૌરાષ્ટ્રથી આંગડિયા પેઢીના રૂપિયા તથા ડાયમંડના પાર્સલોને લેવા આંગડિયા પેઢીના માણસો રોજ વહેલી સવારે આવે છે. ત્યારે લૂંટારુઓ દ્વારા પેઢીના માણસોને બોલેરો ગાડીમાં રૂપિયા તથા ડાયમંડના પાર્સલો લઈ જતી વખતે તેઓને આંતરીને લૂંટ કરવાના ઇરાદે પાંચ લૂંટારુઓ લોડેડ પિસ્ટલ, છરા તથા મરચાની ભુકી સાથે સજ્જ થઈ લૂંટ કરવાની તૈયારી કરવા એકત્ર થયા હતા. જોકે, આરોપીઓ પોતાના મનસુબા પાર પાડી ગુનાને અંજામ આપે તે પહેલા જ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડેલા તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાના વતની છે. તમામ આરોપીઓ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં રહે છે. ત્યારે આ વખતે સુરતમાં લૂંટને અંજામ આપવા માટે યુપીથી એક અઠવાડિયા પહેલા જ સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેવા આવ્યા હતા. પોલીસે બાતમીને આધારે સનત ઉર્ફે પિન્ટુ સંતોષકુમાર જૈન, આશુ બલરામ યાદવ, સચીન રવિન્દ્રકુમાર કુશવાહ, જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાકેલાલ નિશાદ, શુભમ રાજેન્દ્રપ્રસાદ ગુપ્તાને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 60 હજારની કિંમતની પિસ્ટલ નંગ-2, રૂપિયા 400ની કિંમતની કાર્ટિઝ નંગ-4, રૂપિયા 400ની કિંમતના છરા નંગ-2, રૂપિયા 55,500ની કિંમતના મોબાઈલ ફોન નંગ-5, રૂપિયા 30 હજારની કિંમતની ચોરીની હોન્ડા યુનિકોર્ન મોટર સાયકલ 1, રોકડ રૂપિયા 1130, બેગ અને મરચાની ભૂકી મળી અંદાજે 1.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.