Site icon Revoi.in

વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 મોત

Social Share

અમદાવાદઃ વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણે રોડ પર 4 કિમી જેટલો ટ્રાફિકજામ થઈ ગયો છે. હાલ હાલોલ-વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા-હાલોલ રોડ પર જરોદ ત્રણ રસ્તા પાસે વિચિત્ર અકસ્માતમાં વાહનો એકબીજા પાછળ અથડાયા હતા. એકસાથે પાંચ વાહનો ટકરાતા વચ્ચે રહેલી ઈક્કો કારનો ભૂક્કો બોલી ગયો હતો. ઈકો કાર વાહનો વચ્ચે ચગદાઈ જવાથી અંદર સવાર જરોદ ગામના રહેવાસી નરેશ ભીમજીભાઈ ડોડિયા અને તેની પત્નીનું મોત થયું હતું. ઇકો કાર સાથે નરેશભાઈ રોડ ક્રોસ કરતા હતા તે વખતે અકસ્માત નડ્યો હતો. હેવી લોડર ટ્રક, પાણીનુ ટેન્કર, ઈકો કાર, રિક્ષા અને કિયા કાર આમ પાંચ વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઊમટી પડ્યા હતા. તેમજ જરોદ પોલીસ, ફાયર બ્રિગેડ સહિતે બચાવ કામગીરી હાથ ધરી છે. અકસ્માત થતા વાહનોની લાંબી કતારો લાગી છે. અકસ્માતમાં અન્ય ત્રણ વાહનચાલકોને નાની-મોટી ઇજા પહોંચી છે.

હાલમાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. તેમને સારવાર અર્થે સીએચસી સેન્ટર જરોદ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્રણથી ચાર કિલોમીટરનો હાલમાં ટ્રાફિકજામ છે, જેને ક્લિયર કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. કિયા ગાડીની એરબેગ ખૂલી જતાં 6 લોકોનો આબાદ બચાવ થયો છે, ઇકો કારમાં સવાર દંપતીનું મોત છે.