સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકના ચોટીલા નજીક આવેલો ત્રિવેણીડેમ 80 ટકા ભરાઈ જતા પાંચ જેટલા ગામોને સાવચેત રહેવા અપીલ કરાઈ હતી. હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજીબાજુ ત્રિવેણીડેમ 80 ટકાથી વધુ ભરાય ગયો છે,ત્યારે પાંચ જેટલા હેઠવાસના ગામના લોકોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
સમગ્ર ઝાલાવાડ પથકમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અગાઉ પડેલા વરસાદને લીધે ચોટીલા પંથકમાં આવેલા ત્રિવેણી ડેમની સપાટી 80 ટકા જેટલી થઈ ગઈ છે જેને લઈને જિલ્લા કલેકટર સહિત ચોટીલા ડેપ્યુટી કલેકટર આર.બી.અંગારીએ જિલ્લા તેમજ તાલુકાની સરકારી કચેરી સહિત તલાટી, સરપંચ સહિત તમામને જાણ કરીને લોકો જાણ કરી છે. જેમાં ત્રિવેણી ડેમમાં પાણી આવક વધે તો ઓવરફ્લો થવાની શક્યતા છે. જેને લીધે નદીના પટમાં હેરાફરી ન કરવા તેમજ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. ચોટીલાના રામપરા, હાથીજરદીયા, શેખલીયા, મેવાસા, લોમાકોટડી સહિત પાંચ ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 10 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. કેટલાક વિસ્તારોમાં માફકસરના વરસાદથી ખરીફ પાકને ફાયદો થયો છે. કપાસ અને તલના પાકને પાણીની જરૂર હતી ત્યાં વરસાદ પડતા ખેડુતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. જોકે કેટલાક તાલુકામાં વધુ વરસાદ પડ્યો છે, ત્યાં ખેતીપાકને થોડુઘણું નુકશાન પણ થયું છે.