ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના ફિક્સ પગારના શિક્ષકોની પાંચ વર્ષની સેવાઓ સળંગ ગણાશે
ગાંધીનગરઃ રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે તે માટે શિક્ષણના તથા શિક્ષકોની સેવાઓના હિતમાં રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો લીધો છે. જેમાં ફિક્સ પગારમાં નિમણૂંક પામેલ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોની પાંચ વર્ષની સેવાઓ સળંગ ગણવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વર્ષોથી પડતર એવા મોટા ભાગના તમામ પ્રશ્નનો નિકાલ લાવવાનો શિક્ષક અને વિદ્યાર્થીના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના આચાર્ય સંઘ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, ઉચ્ચતર માધ્યમિક શૈક્ષિક સંઘ અને સંચાલક મંડળ સહિતના વિવિધ શિક્ષણ સંઘો દ્વારા તેમના નોકરી સળંગ ગણવા સહિતના વિવિધ પડતર પ્રશ્નનો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. જેને અનુસંધાને સંઘના સભ્યો તથા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજાઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ સંઘના વર્ષોથી પડતર એવા મોટા ભાગના તમામ પ્રશ્નનો નિકાલ લાવવાનો શિક્ષક અને વિદ્યાર્થીના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીના વર્ષોથી પડતર એવા મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. જેમાં ફિક્સ પગારમાં નિમણૂક પામેલા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો/કર્મચારીઓની પાંચ વર્ષની નોકરીની સેવાઓ સળંગ ગણવા સહિત બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગારધોરણ તેમજ અન્ય લાભો આપવાનો અત્યંત મહત્વનો નિર્ણય લેવાયો છે. 2 જુલાઈ 1999થી સેવામાં જોડાયેલા અને આજદિન સુધી નિમણૂક પામેલા તમામ શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો, સાથી સહાયકો મળી આશરે 39000 જેટલા કર્મચારીઓને તેનો લાભ મળશે.
તેમણે ઉમેર્યું કે, વિદ્યાર્થીઓના પરિણામ અને શિક્ષણ સુધરે તે માટે વધુ કે નિર્ણય લેવાયો છે. જેમાં પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિની જૂની પદ્ધતિ પ્રમાણે એક વિદ્યાર્થી દીઠ રૂ.100 દંડ કપાતો હતો જે હવે રૂ.300 દંડ લેવાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યનું શિક્ષણ સ્તર હજુ મજબૂત બને અને વિદ્યાર્થીઓના પરિણામ સુધરે તે માટે શિક્ષકો દ્વારા શાળા છૂટ્યા બાદ વધારાનું 1થી 2 કલાકનું શિક્ષણ આપવામાં આવશે. એટલું જ નહીં, જરૂર જણાશે ત્યાં રજાના દિવસે પણ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું આયોજન કરવામાં આવશે અને તેના નિયમો બનાવવામાં આવશે.