અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેતિંગ વધારો થતા હવે જોહેર પરિવહન પણ મોંધુ થશે. 1 જૂનથી દેશમાં ફ્લાઈટોના ભાડામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલની પરિસ્થિતિમાં ફ્લાઈટોને પેસેન્જર ન મળતા તમામ એરલાઈન્સની આર્થિક સ્થિતિ કથળી હોવાથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ડોમેસ્ટિક ફ્લાઈટના લોઅર બેઝ ફેરમાં 13થી 16 ટકા સુધીનો વધારો જાહેર કરતાં પેસેન્જરોને રૂ.300થી લઈને રૂ.1500સુધીનો વધારો ભોગવવો પડશે. આ અગાઉ સરકારે ફેબ્રુઆરીમાં પણ બેઝ ફેરમાં 10થી 30 ટકા સુધીનો વધારો કર્યો હતો.
સરકારે બહાર પાડેલા આદેશ મુજબ બેઝ ફેર માટે સાત સ્લેબ બનાવાયા છે. જેમાં 40 મિનિટ સુધીની મુસાફરી માટે, 40થી 60 મિનિટની મુસાફરી માટે, 60થી 90 મિનિટની મુસાફરી માટે, 90થી 120 મિનિટની મુસાફરી માટે, 120થી 150 મિનિટની મુસાફરી માટે, 150થી 180 મિનિટની મુસાફરી માટે તેમજ 180થી 210 મિનિટની મુસાફરી માટે અલગ અલગ લોઅર સ્લેબ જાહેર કરાયા છે. બેઝ ફેરમાં 13થી 16 ટકાના વધારા ઉપરાંત પેસેન્જરોને અન્ય ટેક્સ મળી ટિકિટ દીઠ રૂ.300થી 1500 સુધી વધુ ચૂકવવા પડશે. કોરોનાને કારણે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ)એ શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ ફ્લાઈટો પર પ્રતિબંધ 30 જૂન સુધી લંબાવવાની જાહેરાત કરી છે. જો કે કાર્ગો વિમાનોને આ પ્રતિબંધમાંથી છૂટ આપી છે. વધુમાં વંદે ભારત મિશન હેઠળ તેમજ એર બબલ સમજૂતી હેઠળ કેટલાક દેશો વચ્ચે વિશેષ ફ્લાઈટોનું સંચાલન ચાલુ રહેશે.