રાજકોટઃ શહેરના ઈન્ટર નેશનલ એરપોર્ટ કાર્યરત થયા બાદ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે. જો કે હજુ ઈન્ટરનેશનલ એકપણ ફ્લાઈટ્સ શરૂ થઈ નથી. પણ મુંબઈ, દિલ્હી સહિત ફ્લાઈટ્સ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં એકાદ મહિનાથી રાજકોટ-અમદાવાદની ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવી છે. તેને યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. આ રૂટની ફ્લાઈટને પુરતા પ્રવાસીઓ જ મળતા નથી. એટલે હવે આ સેવા કેટલો સમય મળશે ? એવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટમાં આતંર રાજયને જોડતી હવાઈ સેવામાં રાજકોટ-અમદાવાદ અને રાજકોટ-સુરત વચ્ચે ડેઈલી એક ફલાઈટનું ઉડ્ડયન શરૂ છે. જેમાં ઈન્ડિગો એર લાઈન્સ કંપની રાજકોટ-અમદાવાદ વચ્ચે હવાઈ સેવા પુરી પાડી રહી છે. ગત તા.31 માર્ચથી શરૂ થયેલી રાજકોટ-અમદાવાદ ફલાઈટમાં રોજીંદો ટ્રાફિક નહીં મળતા હવે ટચકા ખાવા લાગી છે સંભવિત આ કારણે જ આગામી મે માસથી આ ફલાઈટ કેન્સલ થાય તો નવાઈ નહીં, હાલના દિવસોમાં ઈન્ડિગો એર લાઈન્સ કંપનીની એટીઆર એરક્રાફટ સપ્તાહમાં બુધવારના દિવસ સિવાય ડેઈલી બપોરે 3.50 કલાકે ઉડાન ભરે છે. આ ફલાઈટમાં મોટાભાગે અમદાવાદથી કનેકટીંગ ફલાઈટવાળા મુસાફરો મુસાફરી માણી રહ્યા છે. અન્ય પ્રવાસીઓનો ઘસારો ઓછો જોવા મળતા ડેઈલી સરેરાશ 25 થી 30 જેટલા મુસાફરો આવન-જાવન થતી હોવાથી સંભવિત આગામી મે માસથી એર લાઈન્સ કંપની આ ફલાઈટ કાયમી ધોરણે કેન્સલ કરે તેવી શકયતા છે. આગામી 15 દિવસ સુધી જો આવી જ સ્થિતિ રહી તો આ ફલાઈટ કાયમી ધોરણે કેન્સલ થવાની શકયતા છે.