ભૂજઃ મુંબઈથી ભૂજ વચ્ચે ચાલતી એલાયન્સ એરલાયન્સની એટીઆર ફ્લાઈટએ આજે એન્જિનના કવર (એન્જિન કાઉલિંગ) વિના જ ઉડાન ભરીને ભૂજ પહોંચી હતી. સદનસીબે ભૂજમાં ફ્લાઈટનું સલામત લેન્ડિંગ થયું હતું. જો કે, સમગ્ર મામલો અતિ ગંભીર હોય ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આજે એલાયન્સ એરલાઈન્સની ફ્લાઈટ જ્યારે મુંબઈથી ભુજ આવવા નીકળી ત્યારે તેમાં 66 મુસાફરો સવાર હતા
સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈથી ભૂજ દૈનિક ફ્લાઈટ સેવા ચાલે છે. અને ટ્રાફિક પણ સારો એવો મળી રહે છે. દરમિયાન આજે મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ એરપોર્ટ પરથી એલાયન્સ એરની એટીઆર ફ્લાઇટ રાબેતા મુજબ સવારે 06.15 વાગ્યાની આસપાસ ભુજ આવવા ટેકઓફ થઈ હતી. ત્યારે કહેવાય છે કે, એરક્રાફ્ટના એન્જિન કાઉલિંગ (બોનેટ)નો એક ભાગ નીચે પડી ગયો હતો. તેમ છતાં આ ફ્લાઇટ ભુજ તરફ આવી પહોંચી હતી અને સવારે 8.10ના સમયની આસપાસ સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. ત્યારે કોઈ ટેક્નિકલ ક્ષતિ સર્જાઈ હોવાનું જાણમાં આવતાં ભુજથી સવારે 08.30 કલાકે મુંબઇ જવા ઊપડતી એલાયન્સ એરની ફ્લાઇટ આજે સ્થગિત કરી દેવામાં આવી હતી. નોંધનીય છે કે આ ફ્લાઈટમાં 66 મુસાફરની ટિકિટ બુક થઈ હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મુંબઈથી ભુજ રવાના થયેલી ફ્લાઈટના એન્જિન કાઉલિંગમાંથી એક ભાગ પડી ગયાની જાણ એરપોર્ટ પર રહેલી ટીમને થતાં આ વિષેની જાણકારી કેપ્ટનને આપવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધી ફ્લાઈટ ઊડી ગઈ હતી. એ બાદ ફ્લાઈટમાં કંઈ વાંધાજનક ના જણાતાં તેને રોકાઈ ના હોવાનું અનુમાન છે. અલબત્ત, ગંભીર પ્રકારની આ ઘટનામાં સદભાગ્યે કોઈ અનિચ્છનીય બનાવ ના બનતાં ચોક્કસપણે સંબધિત તંત્ર અને મુસાફર વર્ગમાં રાહતની લાગણી ફેલાઇ છે, આ ગંભીર પ્રકારની ઘટના બદલ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા તપાસના આદેશો અપાયા છે