Site icon Revoi.in

અમદાવાદમાં અષાઢી બીજથી સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાં શરૂ થઈ જશે

Social Share

અમદાવાદઃ શહેરના સાબરમતી નદી પર રિવરફ્રન્ટ બનાવ્યા બાદ શહેરીજનો માટે હવે ફરવાનું ડેસ્ટીનેશન બની ગયું છે. એમાંયે અટલબ્રિજનો નજારો માણવા દિવસ દરમિયાન અનેક શહેરીજનો આવતા હોય છે. રિવરફ્રન્ટ પર પ્રવાસીઓને આકર્ષવા માટે અન્ય આકર્ષણો ઊભા કરાયા છે. જેમાં હેલિપેડ સેવાનો પણ સમાવેશ થાય છે. હવે રિવરફ્રન્ટ પર નવું નજરાણું ઉમેરાશે. જેમાં આગામી તા. 20મી જુન એટલે કે અષાઢીબીજના દિનથી ફ્લોટિંગ સ્ટેસ્ટોરાં શરૂ કરાશે. એટલે કે શહેરીજનો લંચ કે ડીનરની મજા લેતા લેતા સાબરમતી નદીનો નજારો માણી શકશે. જો કે. પ્રતિ વ્યક્તિનો ચાર્જ 2000થી 2500 રૂપિયા નક્કી કરવામાં આવશે. એવું સૂત્રો કહી રહ્યા છે. જો આટલો દર સામાન્ય લોકોને પરવડી શકે નહીં, એટલે જો વ્યાજબી દર નહીં હોય તો સી-પ્લેનની જેમ ફલોટિંગ રેસ્ટોરન્ટનો પ્રોજેક્ટ ચાલશે કે કેમ તે અંગે શંકા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના રિવરફ્રન્ટ પર આગામી તા. 20 જૂને રથાયાત્રાના દિવસે ફ્લોટિંગ રેસ્ટોરાં શરૂ કરી દેવા રિવરફ્રન્ટ કંપનીએ કવાયત હાથ ધરી છે. જો કે, હાલમાં ક્રૂઝના ટ્રાયલ રનની કામગીરી ચાલી રહી છે અને સેફ્ટી ઓડિટ પણ કરવામાં આવી રહ્યું છે. ફ્લોટિંગ રેસ્ટોરાંમાં લંચ માટે 2 અને 2 ડિનર માટે બે ટાઈમ રહેશે. એટલે કે, સવારે 11.30થી 1 અને 1થી 2.30 વાગ્યા સુધી એમ બે ફેરામાં 100-100 માણસો નદી સફર માણતા માણતા લંચ લઈ શકશે. એ જ રીતે ડિનર માટે સાંજે 8થી 9.30 અને 9.30થી 11 વાગ્યા સુધી એમ બે ડિનરની સુવિધા આપવામાં આવશે. હજુ સુધી આ રેસ્ટોરાંમાં જમવાનો અને સફરનો ચાર્જ સત્તાવાર રીતે નક્કી કરાયો નથી. પરંતુ  સૂત્રોના કહેવા મુજબ પ્રતિ વ્યક્તિ 2 હજારથી 2500 રૂપિયાનો ચાર્જ નક્કી થઈ શકે છે. પ્રત્યેક ફેરામાં મહત્તમ 100થી 120 લોકો બેસી શકશે. ફ્લોટિંગ રેસ્ટોરાંની ક્ષમતા 150 વ્યક્તિ વહન કરવાની છે. પરંતુ 30 જેટલા ક્રૂ-મેમ્બર્સ, રેસ્ટોરાંનો સર્વિસ સ્ટાફ, કેપ્ટન સહિતનો સ્ટાફ હોવાથી 120 લોકો જ બેસી શકશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ રેસ્ટોરાંમાં બુકિંગની તમામ વ્યવસ્થા માત્ર ઓનલાઈન જ રહેશે. સ્થળ પર કોઈપણ પ્રકારની અવ્યવસ્થા સર્જાય નહીં તે માટે ઓફલાઈનની સુવિધા ઊભી નહીં કરવાનો નિર્ણય રિવરફ્રન્ટ કંપની દ્વારા લેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટના સરદાર બ્રિજથી લોઅર પ્રોમિનન્ટથી અટલ બ્રિજ જતાં જેટી ઊભી કરવામાં આવશે. જ્યાંથી લોકો ક્રૂઝમાં બેસી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરદાર બ્રિજથી ગાંધી બ્રિજની વચ્ચે આ ફ્લોટિંગ રેસ્ટોરાં શરૂ થશે. અટલ બ્રિજ પાસે ફોટો સેશન માટે ક્રૂઝ ઊભું રખાશે. રિવરફ્રન્ટ કંપનીએ ખાનગી ટ્રાવેલ્સને રેસ્ટોરાં ઓપરેટિંગ માટે આપી દેવામાં આવ્યો છે. વાર્ષિક આવકનો હિસ્સો શેરિંગને શરતે આ કામ ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ બન્યો ત્યારથી અત્યાર સુધીમાં 3થી વધુ એજન્સીઓ ફ્લોટિંગ રેસ્ટોરાં ચલાવવા માટે આવી હતી. જો કે, છેલ્લા 10 વર્ષમાં આ પ્રોજેક્ટ સફળતા પૂર્વક ચાલુ થયો ન હતો. પહેલી વખત ક્રૂઝનું 80 ટકા કામ પૂર્ણ થયું છે. (file photo)