- સવા મહિનો થયો છતાંયે હજુ નુકસાનીની સહાય ન મળતા લોકોમાં વિરોધ,
- શહેરના અનેક વિસ્તારોમાં નુકસાની અંગે સર્વે પણ કરાયો નથી,
- નટરાજ ટાઉનશીપના લોકોએ કર્યા દેખાવો
વડોદરાઃ શહેરમાં સવા મહિના પહેલા પડેલા ભારે વરસાદથી વિશ્વામિત્રી નદીના આવેલા પૂરને લીધે નદી કાંઠા વિસ્તારની સોસાયટીઓમાં ભારે નુકસાન થયું હતું. તત્કાલીન સમયે સરકારે અસરગ્રસ્તોને સહાય આપવાનું આશ્વાસન આપ્યું છે. પણ આજ દિન સુધી અનેક લોકોને સરકારી સહાય મળી નથી જે અંગે વિવિધ વિસ્તારોમાંથી વિરોધ વંટોળ શરૂ થયો છે. એટલું જ નહીં સહાય આપવામાં વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી હોવા અંગે પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં સતત ત્રણ વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેને કારણે વિશ્વામિત્રી સહિત ભારે વરસાદને કારણે શહેરના 75 ટકા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે ગરીબ મધ્યમ વર્ગ તેમજ વેપારી વર્ગને ભારે નુકસાન થયું હતું. આ નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા જે સહાયનું પેકેજ નક્કી કરવામાં આવ્યું હતું તે પ્રમાણે વેપારી હોય કે સ્થાનિક રહીશો હોય તેઓને આજ દિન સુધી સહાય મળી નથી. જેથી લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં સરકારી સહાય અંગે સર્વે પણ કરવામાં આવ્યો નથી એટલું જ નહીં અનેક લોકોનો સર્વે થઈ ગયા પછી પણ સહાય ચૂકવવામાં વિલંબ થઈ રહ્યો હોવા અંગે ભાજપના જ કોર્પોરેટરોએ મેયર બોલાવેલી બેઠકમાં ઉગ્ર રજૂઆતો કરી હતી.
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી નટરાજ ટાઉનશિપ અને આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને પૂર આવ્યા બાદ સવા મહિનો થઈ ગયો તેમ છતાં સહાય મળી નથી તે અંગે સ્થાનિક રહીશોએ કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની આગેવાનીમાં દેખાવો કર્યા હતા. અને સાથે-સાથે સાંસદ મેયર કોર્પોરેટરો રાજીનામાં આપે એટલું જ નહીં વિશ્વામિત્રી અને વરસાદી કાંસ પરના ગેરકાયદે દબાણો પણ તોડવાની માંગણી કરવામાં આવી હતી. એક મહિલાએ તો આક્ષેપ કર્યો હતો કે ભારે પૂરની પરિસ્થિતિ હોવાને કારણે બીમાર મારા દીકરાને દવાખાના સુધી પહોંચાડી નહીં શકતા તેનું મોત નીપજ્યું છે છતાં પણ કોઈ સહાય મળી નથી.