Site icon Revoi.in

ગુજરાત, મણિપુર અને ત્રિપુરા જેવા પૂરથી પ્રભાવિત રાજ્યોને રૂ. 675 કરોડની રિલીઝને મંજૂરી

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગુજરાતને રૂ.600 કરોડ, મણિપુરને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ)માંથી રૂ.50 કરોડ અને ત્રિપુરાને રૂ.25 કરોડ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એનડીઆરએફ)માંથી એડવાન્સ સ્વરૂપે આપવાની મંજૂરી આપી છે. આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન અતિ ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે આ રાજ્યો પ્રભાવિત થયા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર પૂરગ્રસ્ત રાજ્યોને શક્ય તમામ સહાય પૂરી પાડવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ વર્ષ દરમિયાન અતિ ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે આસામ, મિઝોરમ, કેરળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મણિપુર રાજ્યો પ્રભાવિત થયા હતા. આ તમામ અસરગ્રસ્ત રાજ્યોમાં આંતર-મંત્રાલયીય કેન્દ્રીય ટીમો (આઈએમસીટી)ની નિયુક્તિ કરવામાં આવી છે, જેથી નુકસાનીની સ્થળ પર જ આકારણી કરી શકાય. બાકીનાં રાજ્યોને વધારાની નાણાકીય સહાયનો નિર્ણય આઇએમસીટી રિપોર્ટ પ્રાપ્ત થયા પછી લેવામાં આવશે.

ઉપરાંત, તાજેતરમાં, બિહાર અને પશ્ચિમ બંગાળ રાજ્યો પણ પૂરથી અસરગ્રસ્ત થયા છે અને નુકસાનની ઓન-ધ-સ્પોટ આકારણી કરવા માટે ટૂંક સમયમાં આ રાજ્યોમાં આઈએમસીટી મોકલવામાં આવશે. ચાલુ વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે એસડીઆરએફમાંથી 21 રાજ્યોને રૂ. 9044.80 કરોડ, એનડીઆરએફ પાસેથી 15 રાજ્યોને રૂ. 4528.66 કરોડ અને સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ (એસડીએમએફ)માંથી રૂ. 11 રાજ્યોને રૂ. 1385.45 કરોડની રકમ રીલિઝ કરી છે. નાણાકીય સહાય ઉપરાંત કેન્દ્ર સરકારે તમામ અસરગ્રસ્ત રાજ્યોને જરૂરી એનડીઆરએફની ટીમો, આર્મી ટીમો અને હવાઈ દળની મદદ સહિત તમામ લોજિસ્ટિક સહાય પૂરી પાડી છે.