અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે માર્ચ મહિનામાં પણ એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદનું સંકટ યથાવત રહ્યું છે. માર્ચ મહિનામાં રાજ્યમાં લગભગ ત્રણેકવાર કમોસમી વરસાદ વરસ્યો હતો. એટલું જ નહીં તાજેતરમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારમાં માવઠું પડ્યું હતું. દરમિયાન આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ફરી એકવાર ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. અમદાવાદમાં બુધવારે અને ગુરુવારે કમોસમી વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમાં મોહંતીએ જણાવ્યું કે, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં ઉદભવેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે રાજ્યમાં ફરી કમોસમી વરસાદ પડવાની શક્યતા ઊભી થઈ છે. બે દિવસ બાદ થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે. આ ઉપરાંત કચ્છ, સાબરકાંઠા, વડોદરા, બનાસકાંઠા અને પાટણમાં વરસાદી માહોલ રહેશે. એટલું જ નહીં 12, 13 અને 14 એપ્રિલે વરસાદની આગાહી છે. આ દરમિયાન અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારીમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં એક તરફ ગરમી બીજી તરફ કમોસમી માવઠાનો માર રહેશે. ચાલુ વર્ષે રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકશાનીનો અંદાજ છે. રાજ્ય સરકારે કરાવેલા સર્વેમાં 15 જિલ્લાના મોટાભાગના ગામના ખેડૂતોને માવઠાને કારણે નુકશાન થયાનું સામે આવ્યું છે.
અમદાવાદ શહેરમાં 15મી એપ્રિલ બાદ ગરમીમાં વધારો થવાની શક્યા છે. આગામી અઠવાડિયા દરમિયાન ગરમીનો પારો 40થી 41 ડિગ્રી વચ્ચે રહેશે. ગઈકાલે ચાલું એપ્રિલ મહિનામાં પહેલી વખત ગરમીનો પારો 40 ડિગ્રીની પાર થયો હતો. ગઈકાલે શહેરમાં મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું હતું.