Site icon Revoi.in

દિલ્હી-ગુજરાતમાં પૂરની તબાહી, શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને એલજી સક્સેના સાથે કરી વાત … પરિસ્થિતિ વિશે માહિતી લીધી

Social Share

દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી અને રાજ્યના વિવિધ ભાગોમાં પૂર જેવી સ્થિતિ વિશે પૂછપરછ કરી. શાહે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સાથે યમુના નદીના જળસ્તર અંગે પણ ચર્ચા કરી હતી. ગૃહમંત્રીએ ટ્વીટ કર્યું, “તાજેતરના ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી.

યમુના નદીના જળસ્તર અંગે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના સાથે પણ ચર્ચા કરી હતી. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે પૂરતી સંખ્યામાં SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) અને NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ના જવાનો હાજર છે. ડેમ અને નદીઓમાં પાણી જોખમી સ્તરે વધી ગયું છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં યમુના નદીનું જળસ્તર રવિવારે ફરી એકવાર ખતરાના નિશાનને પાર કરી ગયું છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદને પગલે હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવાને કારણે યમુનાનું જળસ્તર વધ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નદીના જળ સ્તરમાં વધુ વધારો રાષ્ટ્રીય રાજધાનીના પૂરથી પ્રભાવિત નીચાણવાળા વિસ્તારોમાં રાહત અને પુનર્વસન કાર્યને અસર કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે,ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે, અને આવનારા બે દિવસ અતિભારે વરસાદ રહેવાની ધારણા છે.સારી બાબત એ છે કે બે દિવસ બાદ  વરસાદનું જોર ઘટશે ,આજે પણ રાજ્યમાં રેડ અને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે, રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે.આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે.