અમદાવાદઃ ઉત્તરભારતમાં પડેલી હિમવર્ષાના પગલે સમગ્ર રાજ્યમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાકમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. તેમજ 29મી જાન્યુઆરીથી ઠંડીનો પારો ગગડી શકે તેવી શક્યતા છે. માવઠાની શકયતાને પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.
હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી 48 કલાકમાં માવઠું થઈ શકે છે. સાબરકાંઠા, અરવલ્લીસ દાહોદ, અમદાવાદ, ગાંધીનગર અને આણંદમાં સામાન્ય વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. માવઠાને કારણે વાતાવરણ ભેજવાળું તેમજ વાદળછાયું પણ જોવા મળશે. માવઠાની આગાહી સાથે સાથે હવામાન વિભાગે માછીમારોને આગામી 24 કલાક દરમિયાન દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 40થી 50 કિલોમીટરની રહેશે, અને ત્યાર પછી 29 જાન્યુઆરીથી તાપમાન ગગડવાની શરૂઆત થશે. તારીખ 30 જાન્યુઆરીથી કેટલાક જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીને આંબે તેવી શકયતા છે.
ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષાને પગલે સમગ્ર રાજ્યમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે રહ્યો હતો. રાજ્યની જનતા હાલ કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. રાજ્યમાં હજુ પણ ઠંડીનો વધારો થવાની શકયતા છે. બીજી તરફ હવામાન વિભાગે માવઠાની આગાહી કરતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.