Site icon Revoi.in

અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, વાસણા બેરેજના 6 ગેટ ખોલાયા

Social Share

અમદાવાદઃ અમદાવાદમાં આજે સોમવારે સમયાંતરે સતત વરસાદ પડ્યો હતો, ગઈ મોડી રાતથી આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. અને આ લખાય છે, ત્યારે પણ શહેરમાં વરસાદ પડી રહ્યો છે.  વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. પાણી ભરાવવાને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના આંબાવાડી, શાહીબાગ સહિતના વિસ્તારોમાં અનેક વાહનો રોડ પર પાણી ભરાતા બંધ પડી ગયા હતા.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ગત મોડીરાત્રે ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદમાં ભારે વરસાદ શરૂ થયો હતો. ત્રણ વાગ્યાથી વહેલી સવારે છ વાગ્યા સુધી સતત વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે શહેરના મીઠાખળી પરિમલ અને અખબાર નગર બ્રિજને બંધ કરવો પડ્યો હતો. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. શહેરમાં સૌથી વધુ નરોડા અને મણિનગર વિસ્તારમાં 6 ઇંચ જેટલો વરસાદ ત્રણ કલાકમાં પડ્યો હતો. સવારે શહેરના પરિમલ અંડરપાસમાં એક ખાનગી બસ ફસાતા 28 મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા. સવારથી બપોર સુધીમાં શહેરમાં સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જોકે બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા 1 કલાકમાં 2 ઇંચ વરસાદ થયો હતો. આમ સવારથી બપોરના 4 વાગ્યા સુધીમાં 7 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો હતો.

શહેરના શાહીબાગ શનિદેવ મંદિરથી અંડરબ્રિજ સુધીનો રસ્તા પર પાણી ભરાતા લોકોની અવરજવર બંધ થઈ છે. ઢીંચણથી વધુ પાણી ભરાતા રાહદારીઓ પરત ફર્યા હતા. શહેરના પોલીસ કમિશનર કચેરીની બાજુથી દૂધેશ્વર સુધીના રસ્તા પર દૂર દૂર સુધી પાણી ભરાયાં છે, જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા છે. અનેક વાહનો બંધ થતાં ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢવા પડ્યા છે સ્થાનિકો જ લોકોને રોકીને પરત વળી જવા માટે સલાહ આપી રહ્યા હતા. શહેરના પરિમલ, અખબારનગર સહિત 7 જેટલા અંડર પાસમાં પાણી ભરાતા બંધ કરાયા છે. અમદાવાદ શહેરનો સિંધુ ભવન રોડ તળાવ બન્યો છે. અહીં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. જ્યારે લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.